Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમરેલી-૧ાા, ખાંભા-૧ ઇંચઃ અષાઢી બીજે ઝાપટા વરસ્‍યા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહ જોતા લોકોઃ ધુપ-છાંવ યથાવત

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અડધાથી ૪ ઇંચ વરસાદ : ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અડધાથી ૪ ઇંચ પડયો છે. જિલ્લાના ચારેય તાલુકામાં વરસાદી માહોલ હતો. ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્‍યાણપુરમાં વરસાદ પડયો હતો. વરસાદ પડતાં લોકોમાં અનેરો આનંદ છવાયો છે. જિલ્લામાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ વરસાદ જામ્‍યો હતો. વરસાદથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી હતી. (તસ્‍વીર-અહેવાલ : કૌશલ સવજાણી -ખંભાળીયા)

 

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે અમરેલીમાં દોઢ અને ખાંભામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો. જયારે ભાવનગરના મહુવા અને પાલીતાણામાં પણ દોઢ ઇંચ વરસાદ પડયો છે. કચ્‍છના મુંદ્રામાં અડધો ઇંચ તથા જાફરાબાદ, રાજૂલા, સાવરકુંડલામાં ઝાપટા પડયા છે.

આજે સવારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુર તથા પોરબંદર અને કુતિયાણા તથા રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં ઝાપટા વરસાદ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં મહુવા અને પાલીતાણામાં દોઢ ઇંચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેરમાં હજુ પણ મેઘરાજાની મહેર થઇ નથી.

ગોહિલવાડ પંથકના પાલીતાણા મહુવા પંથકમાં વરસાદ પડ્‍યો છે. ત્‍યારે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ છતાં વરસાદ નહીં પડતાં લોકો નિરાશ થયા છે.

ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જેસરમાં ૧ મી.મી. ,ગારિયાધારમાં ૧ મી.મી. અને મહુવામાં ૩૩ મી.મી. અને પાલીતાણામાં ૩૦ મી.મી.વરસાદ નોંધાયો છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

વરસાદી માહોલ હોવા છતાં ભાવનગર શહેરમાં વરસાદ નહીં પડતાં ભાવનગરવાસીઓ મેઘરાજા મન મૂકીને વરસી પડે તેની પ્રતીક્ષામાં છે.

દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા કાલે બપોરે ૪૫ મિનિટ ધીમીધારે વરસાદ વરસ્‍યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : ૩૩.૬ ડીગ્રી મહત્તમ, ર૭.પ ડીગ્રી લઘુતમ, ૮૭ ટકા ભેજ અને ૧૧.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી, આ ઉપરાંત જામનગર, લાલપુર, જામજોધપુર, ભૈયારા, શેઠ વડાળા, જામવાડી, ધુનડા, ધ્રાફા, પરડબ, ભણગોરમાં ઝાપટા પડયા છે.

(11:19 am IST)