Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વિશ્વના સેકન્‍ડ લાર્જેસ્‍ટ ઇન્‍વેસ્‍ટરનું વરમોરા ગ્રુપમાં ૭૮૦ કરોડનું રોકાણ

સિરામિક ઉદ્યોગજગત અને મોરબીનું ગૌરવ વધારતુ વરમોરા ગ્રુપ : ઉદ્યોગકારોએ રાત-દિવસ એક કરી પરસેવો પાડીને સિરામિક ઉદ્યોગને જે મુકામ ઉપર પહોંચાડયો તેના ઉપર ઇન્‍વેસ્‍ટરોની સતત નજર : હવે મહેનતના ફળ આવવાની શરૂઆત થઇ ગઇ : મોરબી સિરામિક ક્ષેત્રે નવા યુગની શરૂઆત

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : સિરામિક ક્ષેત્રે જાણે નવા યુગની શરૂઆત થઈ હોય તેમ વિશ્વની સેકન્‍ડ લાર્જેસ્‍ટ ઇન્‍વેસ્‍ટરે મોરબીની વરમોરા ગ્રુપમાં ૭૮૦ કરોડનું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. જો કે આ રોકાણની રકમ કરતા મહત્‍વનું છે કે હવે ઇન્‍વેસ્‍ટરોની નજર મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર બરાબર રીતે મંડરાયેલી છે.
ગ્‍લોબલ પ્રાઇવેટ ઇક્‍વિટી ફર્મ કાર્લાઇલ જે વિશ્વમાં બીજા નંબરનું ઇન્‍વેસ્‍ટર ગ્રુપ છે. ટાઇલ્‍સ અને બાથવેર ઉત્‍પાદક વરમોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડ સાથે વ્‍યૂહાત્‍મક ભાગીદારી કરી છે. આ ઇન્‍વેસ્‍ટર ગ્રુપે વરમોરા ગ્રેનિટોમાં ૭૮૦ કરોડનું રોકાણ કરીને ૨૬થી ૩૦ ટકા જેટલો હિસ્‍સો મેળવ્‍યો છે.
૧૯૯૪માં સ્‍થપાયેલ, વરમોરા ગ્રેનિટો આજે ટાઇલ અને બાથવેરની મોટી બ્રાન્‍ડ બની છે. કંપનીના પ્રોડક્‍ટ પોર્ટફોલિયોમાં પ્રીમિયમ ટાઇલ્‍સ, ફોસેટ્‍સ અને સેનિટરીવેરનો સમાવેશ થાય છે અને તેના ઉત્‍પાદનોનું વેચાણ વિતરણ નેટવર્ક દ્વારા કરવામાં આવે છે જેમાં ભારતમાં અને વૈશ્વિક સ્‍તરે ૨૦૦થી વધુ વિશિષ્ટ બ્રાન્‍ડ આઉટલેટ્‍સનો સમાવેશ થાય છે. કાર્લાઈલના રોકાણનો ઉપયોગ વરનોરા બ્રાન્‍ડ બિલ્‍ડિંગ અને ડિજિટલ માર્કેટિંગ પરના તેના ખર્ચને વધારવા, તેના વિતરણ નેટવર્કને વધુ સઘન બનાવવા અને ઉત્‍પાદનની નવીનતા અને કાર્યક્ષમતા વધારવા માટે કરશે.
ઉલ્લેખનીય છે કે વરમોરા ગ્રુપના પાયાના પથ્‍થર એવા પરસોત્તમભાઈ વરમોરા, વલ્લભભાઈ વરમોરા અને રમણભાઈ વરમોરાએ જે બીજ રોપ્‍યા હતા. આજે યુવા ડિરેક્‍ટરો પ્રમોદભાઈ વરમોરા, ભાવેશભાઈ વરમોરા, ભરતભાઇ વરમોરા, મનીષભાઈ વરમોરા, હિરેનભાઈ વરમોરા, પ્રકાશભાઈ વરમોરા અને અશોકભાઈ ભૂતની મહેનતને પગલે તે વટવૃક્ષ બન્‍યા છે. આજે વરમોરા ગ્રેનિટો વિશ્વની એક ખ્‍યાતનામ બ્રાન્‍ડ તરીકે ઉભરી આવી છે.
બ્રાન્‍ડ પાછળ જેટલું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરીએ છીએ તેનું રીટર્ન જરૂર મળે જ છે : ભાવેશભાઈ વરમોરા
વરમોરા ગ્રેનિટોના ડિરેક્‍ટર ભાવેશભાઈ વરમોરાએ જણાવ્‍યું કે રોકાણની રકમ મહત્‍વપૂર્ણ નથી. પણ મહત્‍વપૂર્ણ એ છે કે વર્લ્‍ડનું સેકન્‍ડ લાર્જેસ્‍ટ ઇન્‍વેસ્‍ટ ગૃપ જે મોરબીની કંપનીમાં ઇન્‍વેસ્‍ટ કરવા માટે આતુર છે. આ માત્ર વરમોરા ગૃપ માટે નહીં પણ મોરબી સિરામિક માટે ગૌરવની બાબત છે. તેઓએ સિરામિક ઉદ્યોગકારોને સંદેશો આપતા જણાવ્‍યું કે બ્રાન્‍ડ પાછળ જેટલું ઇન્‍વેસમેન્‍ટ કરીએ છીએ તેનું રીટર્ન જરૂર મળે જ છે. મોરબીના સિરામિક ઉદ્યોગ પાસે આવડત છે. અને આ આવડત મુજબ સિરામિક ઉદ્યોગકારોએ ખૂબ મહેનત કરીને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્‍યો છે. હવે આ મહેનતનું પરિણામ મળવાનું શરૂ થઈ ગયું છે. આ માત્ર શરૂઆત છે. હજુ આવી જ રીતે બીજી કંપનીઓમાં પણ ઈન્‍વેસ્‍ટરો રોકાણ કરે તેવી આશા છે.
વરમોરા ગ્રેનિટો જે બ્રાન્‍ડ વેલ્‍યુ ક્રિએટ કરી છે. તેનાથી અમે ખૂબ જ પ્રભાવિત : અમિત જૈન
કાર્લાઈલ ઈન્‍ડિયા એડવાઈઝર્સના મેનેજિંગ ડિરેક્‍ટર અને કો-હેડ અમિત જૈને જણાવ્‍યું હતું કે, વરમોરા ગ્રેનિટો જે બ્રાન્‍ડ વેલ્‍યુ ક્રિએટ કરી છે. તેનાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમે તેમની સાથે ભાગીદારી કરવા માટે ઉત્‍સાહિત છીએ. અમેં તેમાં રોકાણ કર્યું છે જેથી વૃદ્ધિની યાત્રાના આગલા તબક્કાને વેગ આપવામાં મદદ મળી શકે. અમારી નજરે વરમોરા ગ્રેનિટોએ ખૂબ ઝડપથી આગળ વધી રહેલી કંપની છે.

 

(11:04 am IST)