Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

હળવદમાં તસ્‍કરોએ ભંગારના ડેલામાં હાથ માર્યો

રાજસ્‍થાની વેપારીની રાડો ઘડિયાળ, રૂ.૭૫ હજાર રોકડા અને બે મોબાઈલ લઈ ગયા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧: શહેર સાથે કાયમી નાતો જોડનાર તસ્‍કર ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ બે દિવસ પહેલા બે વાડીમાં ત્રણ સ્‍થળે ચોરી કર્યા બાદ રાત્રીના હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર ભંગારના ડેલાને નિશાન બનાવી રાજસ્‍થાની વેપારીને સુતા રાખી કિંમતી રાડો ઘડિયાળ, રૂ.૭૫ હજાર રોકડા અને બે મોબાઈલ લઈ ગયા હતા. જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

વિગતો મુજબ હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર નવજીવન વિકલાંગ સંસ્‍થાની બાજુમાં ભંગારનો ડેલો ધરાવતા મૂળ ભીલવાડા રાજસ્‍થાનના મંગલપુરા ગામના વતની અને હાલ હળવદ ધરતી નગર સોસાયટીમાં રહેતા રતનભાઈ માંગુજીભાઈ ગુર્જર પોતાના ભંગારના ડેલે સુતા હતા ત્‍યારે રાત્રે ૨.૪૦ કલાકે બે બુકનીધારી તસ્‍કરો ડેલામાં ઘુસ્‍યા હતા.

વધુમાં ભંગારના ડેલામાં ઘુસેલા બુકાનીધારી તસ્‍કરોએ રતનભાઈ માંગુજીભાઈ ગુર્જરે એક થેલીમાં રાખેલા રોકડા રૂપિયા ૭૫,૦૦૦, એક રાડો ઘડિયાળ અને બે મોબાઈલ સહિતની કિંમતી વસ્‍તુઓ ચોરી નાસી ગયા હતા અને સવારે વેપારી જાગ્‍યા ત્‍યારે ચોરી થઈ હોવાનું સામે આવ્‍યું હતું.

આ બનાવ અંગે હાલમાં ભંગારના ધંધાર્થી રતનભાઈ માંગુજીભાઈ ગુર્જરે હળવદ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે લેખિત અરજી સ્‍વીકારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે.

(10:50 am IST)