Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જસદણના બે ડોકટરોએ કોરોનાની બીજી લહેરમાં ભગવાનની ભૂમિકા ભજવી હતી

જસદણ,તા. ૧ : ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં કોરોનાએ ભયંકર રૂપ દેખાડયુ હતું. ત્‍યારે જસદણના ડો.ભરતભાઇ બોધરા અને ડો.પંકજભાઇ કોટડિયાએ એક ખરા અર્થમાં ભગવાનનું રૂપ ધારણ કરી કોરોનાનાં અનેક દર્દીઓને સાજા કરી ઘરે મોકલ્‍યા હતા. ત્‍યારે ડોકટર્સ ડેના દિવસ પર આ બંને જાંબાઝ ડોકટરોને પ્રજામાંથી સલામ ઉઠી રહી છે.

જસદણ અને વિંછીયા પંથકના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી આવા કપરા સમયમાં આ બંનેએ જસદણના એક કારખાનામાં કોવિડ કેર સેન્‍ટર વિનામૂલ્‍યે ઉભુ કરી દેતાં આ કોવિડ કેર સેન્‍ટરમાં હજારો દર્દીઓને સમયસર સારવાર મળી ગઇ હતી. આ સમય એવો હતો કે પૈસા ખર્ચતા પણ હોસ્‍પિટલમાં જગ્‍યા ન હોતી આવા સમયે કોવિડ કેર સેન્‍ટર વિનામૂલ્‍યે ઉભુ કરી જેમાં દર્દીઓને જરૂરી સારવાર આ ઉપરાંત દર્દીઓને ગરમા ગરમ જમવાનું અને ખાસ કરીને દર્દીઓની કાળજી લેવામાં આવે તે હેતુથી એક સ્‍વયંસેવકોની ટીમ ઉભી કરી દર્દીઓની સવિષેસ કાળજી લીધી હતી. જેનાં કારણે મોટી સંખ્‍યામાં મૃત્‍યુ આંક ઓછો થયો હતો. જો કે ત્‍યારબાદ એક બીજુ કોવિડ કેર સેન્‍ટર પણ જસદણ વિંછીયામાં ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળિયાએ ખોલ્‍યુ હતું. જેથી કોરોના કાળમાં જસદણ વિંછીયા પંથકમાં લોકોને રાહત મળી હતી.

(10:33 am IST)