Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આજે કચ્છી નવું વરસ: મરુ, મેરુ અને મેરામણની ધીંગી ધરા કચ્છ

જાણો અષાઢી બીજ સાથે સંકળાયેલ કચ્છી નવા વરસ અને તે વિશેની રસપ્રદ માહિતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : આજે દેશ વિદેશમાં વસતા લગભગ ૩૦ લાખથી પણ વધુ કચ્છી માડુઓ (કચ્છી માણસો) માટે ખાસ મહત્વનો દિવસ છે. અષાઢી બીજ એટલે કચ્છનું નવું વરસ. કચ્છ એટલે દેશની પશ્ચિમી સરહદે પાકિસ્તાનની નજીક આવેલ દેશની વિશાળ જિલ્લો. કચ્છ આજે ધોરડોના સફેદ રણ તેમ જ માંડવીના રમણીય દરિયા કિનારા સાથે ધોળાવીરાની ૫૦૦૦ વર્ષ જૂની હડ્ડપન સંસ્કૃતિ, લખપત કિલ્લા સહિતના પ્રવાસન સ્થળોને કારણે વિશ્વ વિખ્યાત બન્યું છે. જોકે, એક સમયે પછાત ગણાતો કચ્છ જિલ્લો આજે માત્ર પ્રવાસન જ નહીં પરંતુ કંડલા, મુંદરા જેવા બબ્બે મોટા બંદરો, ભુજ, કંડલા અને મુન્દ્રા જેવા ત્રણ ત્રણ એરપોર્ટ ઉપરાંત દેશભરના ઔધોગિક એકમો ધરાવતો વિકાસશીલ જિલ્લો બન્યો છે. આનું શ્રેય ચોક્કસ પણે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કચ્છ આજે જ્યારે લોકજીભે અને લોક હ્રદયમાં બિરાજે છે ત્યારે સ્વાભાવિક છે કે કચ્છ વિશે જાણવાની ઉત્કંઠા સૌને રહે. અષાઢી બીજની વાત કરીએ તો કચ્છમાં રાજાશાહી ના સમયથી અષાઢી બીજ કચ્છી નવું વરસ ઉજવાય છે અને એનું કચ્છી પંચાગ પણ અલગથી હોય છે. કચ્છમાં હમેંશા ઓછો વરસાદ એ સમસ્યા રહેલી હોઈ વરસાદનું આગમન અષાઢ મહિનામાં થાય એ ગણતરીને ધ્યાને લઇ વરસાદના મહત્વ સાથે કચ્છી નવું વરસ ઉજવવાની પરંપરા શરૂ થઈ હશે એવી એક માન્યતા છે. જોકે, એક ધારણા એવી પણ છે કે, કચ્છ દરિયાઈ વ્યાપાર સંકળાયેલું હોઈ દરિયો ખેડનારા કચ્છના સાગર ખેડુઓ ચોમાસાની સીઝન દરમ્યાન દરિયો તોફાની હોઈ અષાઢ મહિનામાં ઘેર પરત ફરે એટલે અષાઢ મહિનાનું મહત્વ ધ્યાને લઈ અષાઢી બીજ ના દિવસે કચ્છી નવું વરસ ઉજવવાની પરંપરા ચાલુ થઈ હશે. આમ તો, ઈતિહાસકારો નોધે છે કે, રા' લાખા ફુલાણી (રાજા લાખા ફુલાણી) ના સમયથી કચ્છમાં અષાઢી બીજ ના કચ્છી નવા વરસની ઉજવણીની શરૂઆત થઈ હશે. વિવિધ માન્યતાઓ વચ્ચે કચ્છમાં અષાઢી બીજનું મહત્વ વરસાદ સાથે સંકળાયેલું છે એ માનવું રહ્યું. કારણ, કચ્છમાં વરસાદના વાવડ સાથે જ લાપસી ના આંધણ મુકાય છે અને મેઘલાડુ નું વિતરણ થાય છે. અરે.. કચ્છ બહાર રહેનાર કચ્છી માડુ માટે તેના વતન એવા કચ્છના ગામમાં વરસાદ પડે અને ગામનું તળાવ ઓગનાય તો પણ એ ખુશ ખુશાલ થઈ એ જ્યાં રહેતો હોય ત્યાં એની હરખભેર ઉજવણી કરે છે. ફોન દ્વારા દરેક એકબીજાને અભિનંદન સાથે વધાઈ આપે છે. આજે પણ ભુજનું હમીરસર તળાવ, માંડવીનું ટોપણસર તળાવ કે, મુન્દ્રા, અંજાર સહિત કચ્છના કોઈ પણ શહેર કે ગામ નું તળાવ ઑગનાય તો લોકો ઢોલ નગારા અને શ્રીફળ સાથે જળદેવતાના વધામણાં કરે છે. કચ્છની એવી જ બીજી વિશિષ્ઠતા એ કચ્છી બોલી છે. વિશ્વભરમાં રહેતા કચ્છીઓ જ્યારે માતૃભાષા કચ્છીમાં વાત કરે ત્યારે એમને સાંભળવો એ લ્હાવો છે. કચ્છી બોલી જેટલી મીઠી છે એટલું જ સુંદર કચ્છનું આતિથ્ય છે. કચ્છ માટે જે લખીએ એ ઓછું છે, સમાપન કરતાં આ શબ્દો કદાચ ઘણું બધું કહી જાય છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મહાન અભિનેતા અમિતાભ બચ્ચને કચ્છ વિશેની જાહેરાતમાં જે કહ્યું છે એ, "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા." માટે એકવાર ધીંગી ધરા કચ્છની અવશ્ય મુલાકાત લેજો અને '' કચ્છીયત ' નો સ્વાનુભવ કરજો આપ પણ કહી ઉઠશો, કચ્છડો બારે માસ.

(10:29 am IST)