Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મુખ્ય સચિવ પંકજકુમાર કચ્છમાં: ૩૨૫ કરોડના ખર્ચે ભુજીયા ડુંગરમાં નિર્માણ થઈ રહેલ ભૂકંપ સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : રાજયના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે ભુજિયા ડુંગરમાં રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સ્મૃતિવન પ્રોજેકટની મુલાકાત લઇ ભુજ કલેકટર કચેરી ખાતે તેની સમીક્ષા બેઠક યોજી હતી.
          ભુજિયા ડુંગરમાં કુલ ૪૭૦ એકરમાં બની રહેલા સ્મૃતિવન કામગીરીની પૂર્ણતા, પડકાર અને અવરોધ અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ માર્ગદર્શન પુરું પાડયું હતું તેમજ સબંધિતોને ઝડપથી આયોજનપૂર્વક નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકિદ પણ કરી હતી. આ તકે તેમણે સમગ્ર પ્રોજેકટની ફેઝ વનથી લઈને વર્તમાન નિર્માણાધીન વિવિધ કામગીરીની છણાવટ કરી મ્યુઝિયમ બિલ્ડીંગ, એથી એચ બ્લોકના પડકારો, એમિનીટીઝ બ્લોક, ટેન્સાઈલ પીટીએફઈ રૂફ, મોસ્ટ ક્રિટીકલ સબ સ્ટેશન, શ્રધ્ધાજંલિ ઈન્સટોલેશન, કેફે, વીકટીમ નેમ પ્લેટ, ઈન્ટીરીયર વર્ક, આઉટ સાઈડ વર્કની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
          આ તકે અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ અને જીએસડીએમએના સીઈઓશ્રી કમલ દયાની અને માર્ગ મકાન વિભાગના સચિવશ્રી એસ.બી.વસાવાએ પણ માર્ગ મકાનના ચીફ ઈજનેરશ્રી પટેલીયા અને એડીશનલ ચીફ ઈજનેરશ્રી ઓઝા તેમજ ખાનગી કંપનીનાશ્રી રાજાભટ્ટાચાર્ય સાથે પ્રોજેકટ બાબતે છણાવટ કરી હતી.
           મુખ્ય સચિવશ્રી પંકજકુમારે આ તકે સ્મૃતિવન પ્રોજેકટની કામગીરીના ફેઝ-૧થી લઈ પૂર્ણતા સુધીની સ્મૃતિ ડોકયુમેન્ટરી બનાવવા અંગે પણ શ્રી દયાનીને સૂચન કર્યુ હતું. તેમજ પ્રોજેકટને કાર્યાન્વિત કરવામાં સંકલન અને સહયોગથી પડકારો અને અવરોધોને દુર કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સબંધિતોને જણાવ્યું હતું.
           આ બેઠકમાં સર્વશ્રી કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, માર્ગ મકાન કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, એસ.પી.શ્રી સૌરભસિંહ તેમજ સબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સંકળાયેલા એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

(10:25 am IST)