Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મોરબી,તા. ૧ : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ-૨૦૨૨ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા.૨૮ જુલાઇના રોજ સવારે ૧૧ વાગ્‍યે કલેક્‍ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી જુલાઈ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્‍વરૂપે પહોંચતા કરવાના રહેશે.

જિલ્લા સ્‍વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્‍યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્‍પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્‍યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્‍યાને લેવાશે અન્‍યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્‍યાને લેવાશે નહી.

મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર દ્વારા જણાવાયું છે.

(10:29 am IST)