Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

હવે કચ્છના માંડવી તાલુકામાં દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની પ્રગટશે જ્યોત: મહિલા કોલેજ સાથે સ્કીલ ડેવલપમેન્ટ તાલીમનો પ્રારંભ

કાલે બિદડા મધ્યે સ્વનિર્ભર કોલેજનું ઉદ્દઘાટન, સરકારી કોલેજ કરતાંયે ઓછી ફી સાથે બક્ષી પંચ, અનુ. જાતિ જનજાતિ માટે કન્યા કેળવણીની સરકારી સ્કોલરશીપની સહાય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :  કર્મભૂમિ મુંબઈ મૂકીને જન્મભૂમિ કચ્છના બિદડા મધ્યે છેલ્લા સાત વર્ષથી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરનાર દંપતિ કોમલભાઈ સાવલા અને મંદાકિનીબેન સાવલા દ્વારા સ્થાપિત માતૃવંદના સંસ્થા માંડવી મુન્દ્રા બન્ને તાલુકાને જોડતાં કેન્દ્ર સમા ગામ બિદડા મધ્યે મહિલા કોલેજ સાથે મહિલા કૌશલ્ય તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરી રહી છે. તા.૨ જી જુલાઈ શનિવારે સવારે ૯ કલાકે બિદડા સ્થિત સંસ્થાના સંકુલ 'માતૃવંદના' મધ્યે નવનીત ચંદ્ર વલ્લભ મહિલા આર્ટસ કોલેજ અને પાન વલ્લભ સ્કીલ ડેવલપમેન્ટનું વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ યુનિ.ના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા અને અન્ય ગણમાન્ય મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરાશે. આ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૧૫૬ સીટ સાથેની આ સ્વનિર્ભર મહિલા આર્ટસ કોલેજમાં એડમીશનનો પ્રારંભ થઇ ગયો છે. અહીં આર્ટસ ફેકલ્ટીનો અભ્યાસ કરનાર દીકરીઓ વધારામાં સ્કીલ ડેવલોપમેન્ટ દ્વારા સંચાલિત સીસીસી સર્ટિ. સાથેની કોમ્પુટર તાલીમ, ટેલી વિથ જીએસટી, ડીટીપી, વેબ ડિઝાઇનની તાલીમ મેળવી શકશે. પ્રિન્સિપાલ મનાલીબેન કતીરાના જણાવ્યાનુસાર સરકાર માન્ય આ સ્વનિર્ભર કોલેજમાં એક સેમેસ્ટરની ફી રૂ. ૨૧૦૦/- છે. જે સરકારી કોલેજની અપેક્ષાએ ઓછી છે. વળી, અનુ. જાતિ, જનજાતિ અને બક્ષી પંચ હેઠળ સમાવિષ્ટ છાત્રાઓ સરકાર દ્વારા અપાતી સ્કોલર શીપ મેળવી શકશે. આ ઉપરાંત સંસ્થા સ્કીલ ડેવલોપમેન્ટ હેઠળ મુંબઈના જાણીતા રાજ ટેકનિકલ એજ્યુકેશન ગ્રુપના સહયોગથી મહિલાઓને વિવિધ પ્રકારના વ્યવસાયિક કોમ્પ્યુટર પોગ્રામની નિ:શુલ્ક કૌશલ્ય તાલીમ આપશે.  માવતર નો માળો સંસ્થામાં વૃદ્ધ વડીલોને આશરો અપાય છે. આ ઉપરાંત બિદડા આસપાસના ગામોની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતા છાત્રોના વાંચન, ગણન અને લેખન માટે સંસ્થાએ પોતાના વિદ્યાસહાયકો નીમી મહત્વનું યોગદાન આપ્યું છે. સરકારી શાળાઓમાં નવનીત કોમ્પ્યુટર સોફ્ટવેર પોગ્રામ આપી ગ્રામીણ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ માટે કાર્ય કર્યું છે. તો, શાળામાં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ સ્કૂલ શરૂ કરી આઈટીઆઈ સંલગ્ન તાલીમ આપી યુવાનોને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યું છે. મહિલાઓ માટે સીવણ તેમ જ બ્યુટી પાર્લર ક્લાસિસ પણ ચલાવ્યા છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા સાથે મહિલા સશકિતકરણ હોવાનું કહેતા કોમલભાઇ જણાવે છે, ગ્રામીણ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ તેમ જ સ્કીલ ડેવલપમેન્ટના માધ્યમથી મહિલાઓ સરળતાથી શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની રાષ્ટ્રીય પ્રવાહમાં પોતાનું યોગદાન આપી શકવા સમર્થ બનશે. સંસ્થાના કાર્યમાં પ્રેરણા આપનાર ટ્રસ્ટીઓ વલ્લભજીભાઈ ભાણજી ગડા (બાડા), ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી (ભાડીયા), સુનિલભાઈ ગાલા (રાયણ), રાજેશભાઈ છેડા (પત્રી) ઉપરાંત જેવાયએફના હાર્દિકભાઈ મામણીયા નો સતત સુંદર સહયોગ મળી રહ્યો છે. આ શૈક્ષણિક પ્રોજેક્ટ સંસ્થાના પૂર્વ ચેરમેન અને અનશનવ્રતધારી તારાચંદભાઈ જગશી છેડાની સેવાઓને સમર્પિત કરતાં હોવાનું કોમલભાઈએ જણાવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમને પાર પાડવા ભુજ કવીઓના પ્રમુખ જીગરભાઇ તારાચંદ છેડા, આચાર્યા મનાલીબેન કતીરા, માંડવી ઈન્નરવ્હીલ ક્લબના પ્રમુખ શીલાબેન શાહ જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:18 am IST)