Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જિયો ગુજરાતનો સૌથી મોટો લેન્‍ડલાઇન પ્રોવાઇડર બન્‍યો

રાજ્‍યના ૪૦ શહેરોમાં ચાર લાખથી વધુ ઘર જિયોફાઇબરથી કનેક્‍ટ થયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧ : ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં રિલાયન્‍સ જિયો ગુજરાતમાં લેન્‍ડલાઈન સેવાઓ આપનારી સૌથી મોટી કંપની બની ગઈ છે. પાંચમી સપ્‍ટેમ્‍બર ૨૦૧૯ના રોજ જિયોફાઇબરનું કોમર્શિયલ લોન્‍ચ થયું ત્‍યારથી અત્‍યાર સુધીમાં જિયો ચાર લાખથી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ સાથે ગુજરાતના ૪૦થી વધુ શહેરો, નગરો અને ગામડાઓ સુધી પહોંચી ગયું છે.

ટ્રાઈના તાજેતરના સબ્‍સ્‍ક્રિપ્‍શન રિપોર્ટ મુજબ ૩૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ પૂરા થતા સમયગાળામાં ગુજરાતમાં જિયોના ફાઈબર ટુ હોમ (FTTH) વપરાશકર્તાઓની સંખ્‍યા પ્રથમ વખત ચાર લાખ સબ્‍સ્‍ક્રાઇબર્સની સંખ્‍યાને પાર કરી ગઈ છે. આ જ સમયગાળામાં BSNLના ૩.૮૦ લાખ યુઝર સંખ્‍યાને પાછળ છોડીને જિયો લેન્‍ડલાઈન સેવાઓ આપનારી સૌથી મોટી કંપની બની ગઈ છે.

ઘરઆંગણે હાઈસ્‍પીડ બ્રોડબેન્‍ડની સતત વધતી માંગ સાથે જિયોએ એપ્રિલ ૨૦૨૨માં ૨૦,૮૩૨ નવા જિયોફાઇબર વપરાશકર્તાઓ ઉમેર્યા છે, તેની સાથે ગુજરાતમાં જિયોના કુલ ૪.૦૩ લાખ ગ્રાહકો થયા છે. માર્ચ ૨૦૨૨માં જિયોના લેન્‍ડલાઇન વપરાશકર્તાઓ ૩.૮૨ લાખ હતા, જયારે BSNL ૩.૯૩ લાખ સબ્‍સ્‍ક્રાઇબર્સ સાથે સૌથી આગળ હતું. સરકારી માલિકીના ટેલિકોમ ઓપરેટર BSNLએ એપ્રિલ ૨૦૨૨માં ૮,૦૦૦ થી વધુ વપરાશકર્તાઓ ગુમાવ્‍યા હતા અને જિયો સૌથી મોટો ઓપરેટર બન્‍યો તેમાં આ પણ એક કારણ છે.

એપ્રિલ ૨૦૨૨ના અંત સુધીમાં રાજયમાં લેન્‍ડલાઇન વપરાશકર્તાઓની કુલ સંખ્‍યા ૧૦.૬૯ લાખ હતી, જે માર્ચ ૨૦૨૨માં ૧૦.૬૨ લાખ હતી અને તેમાં ૭,૦૦૦નો વધારો થયો હતો. એપ્રિલ ૨૦૨૨માં ફિક્‍સ લાઇન વપરાશકર્તાઓનો જિયોનો બજાર હિસ્‍સો વધીને ૩૭.૭૪% થયો હતો, ત્‍યારબાદ BSNL ૩૬.૦૫% સાથે બીજા ક્રમે રહ્યું છે. એરટેલ પાસે આશરે ૧.૫૬ લાખ ફિક્‍સ્‍ડ લાઇન યુઝર્સ છે જેનો બજાર હિસ્‍સો ૧૪.૬૧% ટકા થાય છે, જયારે તાતા ટેલિ પાસે ૭૭,૫૦૦થી વધુ વપરાશકર્તાઓ છે અને તેનો બજાર હિસ્‍સો ૭.૨૫% છે. એપ્રિલ ૨૦૨૨માં વોડાફોન આઈડિયાના લેન્‍ડલાઈન યુઝરની સંખ્‍યા ૪.૧૨%ના બજાર હિસ્‍સા સાથે ૪૪,૦૦૦થી વધુ હતી.

અત્‍યારે જિયોફાઇબર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી, વઢવાણ, ગાંધીનગર, ધોળકા, કડી, મહેસાણા, ઊંઝા, વિસનગર, આણંદ, નડિયાદ, ભરૂચ, દહેજ, વલસાડ, બારડોલી, વ્‍યારા, બીલીમોરા અને અન્‍ય શહેરો સહિત ગુજરાતમાં ૪૦થી વધુ શહેરોમાં હાજરી ધરાવે છે. દર મહિને જિયો ગુજરાતના નવા વિસ્‍તારોનો સમાવેશ કરી રહ્યું છે અને તેની પહોંચ વિસ્‍તારી રહ્યું છે.

જિયોફાઇબર હાલમાં દર મહિને રૂ.૩૯૯થી શરૂ કરીને વિવિધ પ્રકારની સેવાઓ આપતી અનેક યોજનાઓ ઓફર કરે છે. 

(10:16 am IST)