Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબીમાં રબારી સમાજવાડી અને વિદ્યાર્થી ભવન માટે પોશ વિસ્‍તારમાં જમીન માટે હુકમ

રાજ્‍યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રબારી સમાજની વર્ષો જુની માંગણીને વાચા આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧ : રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્‍ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા રબારી સમાજે મંત્રીનું પુષ્‍પગૃચ્‍છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું.

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા દરેક સમાજના પ્રશ્નોને પોતાના જ પ્રશ્નો સમજીને નિવારવા હમેશાં પ્રયત્‍નશીલ છે ત્‍યારે હાલ જ તેમણે માનવતાવાદી અભિગમ દાખવી રબારી સમાજની લગભગ ૩ પેઢી જૂની માંગણીને પૂર્ણ કરી છે. રબારી સમાજની છેલ્લા ઘણા સમયથી રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટેની માંગણી હતી. જેને મંત્રીએ રબારી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાને સાથે રાખી મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ૩૦ જ દિવસમાં આ માંગણીને ધ્‍યાને લઈ તેને મંજૂરી આપવામાં આવી છે.

મોરબી જિલ્લા કલેક્‍ટર જે.બી.પટેલ દ્વારા પોશ વિસ્‍તારમાં આ રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવનની જમીન માટે પણ હુકમ કરી દેવામાં આવ્‍યો છે. રબારી સમાજની આ વર્ષો જૂની લાગણીને વાચા આપી રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ અટપટા પ્રશ્નને ઝડપી નિવારવા સતત ફોલોઅપ કર્યું અને તેમની માંગણી પુરી કરી. જેથી રબારી સમાજના આગેવાનોએ મંત્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ તકે જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા અને રબારી સમાજના અગ્રણી વાલાભાઈ ખાંભલા, કાનજીભાઈ કુંભારીયા, રમેશભાઈ અજાણા, ભગવાનજીભાઈ ખાંભલા, મહેશભાઈ અજાણા, હિરેનભાઈ કાળોતરા,  કારાભાઈ હુણ, સવજીભાઈ હુણ તેમજ અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:12 am IST)