Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ભુજના સ્મૃતિવનની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી

તમામ વિકાસ કામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને અધુરા કામો તાકીદે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

ભુજ : ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે આજરોજ ભુજ ખાતેના સ્મૃતિવનની જાત મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે નિર્માણાધીન વિવિધ વિકાસ કામોની વિગતો મેળવીને કાર્યો તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. 

  રાજ્યના મુખ્ય સચિવએ ભુજીયા ડુંગરમાં ૧૭૫ એકરમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનની જાત મુલાકાત લઈને વિકાસકામોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. જેમાં મ્યૂઝીયમ બિલ્ડીંગ, ત્રણ એમીનિટીઝ બ્લોક, સનસેટ પોઇન્ટ, ચેકડેમ તથા નિર્માણાધીન વિવિધ કામગીરીની સમીક્ષા સાથે કામની પ્રગતિ અંગે જાણકારી મેળવીને જુદા જુદા થીમ આધારીત પ્રકલ્પો વિશે માહિતી મેળવી હતી. આ તકે સ્મૃતિવનમાં નિર્માણ પામતા તમામ બ્લોકના વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે મુખ્ય સચિવએ સ્મૃતિવનમાં બનેલા સનસેટ પોઈન્ટ તથા પાણીના સંચય માટે બનેલા ચેકડેમોનું નિરીક્ષણ પણ કર્યું હતું.  સ્મૃતિવનમાં ૩ લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ અંગે જાણકારી મેળવીને આ ચોમાસામાં વધુમાં વધુમાં વૃક્ષારોપણ કરીને તેનો યોગ્ય રીતે ઉછેર થાય તે માટે પાણીનું વ્યસ્થાપન કરવા સંબંધિત અધિકારીઓને મુખ્ય સચિવએ સૂચના આપી હતી. 

આ તકે અધિક મુખ્ય સચિવ (મહેસુલ અને GSDMAના સીઇઓ) કમલ દયાની, માર્ગ-મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા, કલેકટર પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટર હનુંમતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેર વી.એન.વાઘેલા તેમજ સંબંધિત કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 pm IST)