Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સ્કાયટ્રાન ઇન્ડસ્ટ્રીઝ લિ.માં રિલાયન્સે બહુમતિ હિસ્સો હાંસલ કર્યોઃ ૫૪.૪૬ ટકાની હિસ્સેદારી

સ્કાયટ્રાનમાં બહુમતી હિસ્સો હાંસલ કરવો એ ભવિષ્યની ટેકનોલોજીના નિર્માણમાં રોકાણ કરવાની અમારી પ્રતિબધ્ધતા દર્શાવે છેઃ મુકેશ અંબાણી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (“RSBVL”) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેણે ૨૬.૭૬ મિલિયન અમેરિકી ડોલરમાં સ્કાયટ્રાન ઇન્ક. (“skyTran”)માં વધારાનો ઇકિવટી હિસ્સો મેળવીને કંપનીમાં ફુલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર કુલ ૫૪.૪૬ ટકાની હિસ્સેદારી હાંસલ કરી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA)ના ડેલવેરના કાયદા મુજબ વર્ષ ૨૦૧૧માં સ્થપાયેલી સ્કાયટ્રાન એક ટેકનોલોજી કંપની છે. સ્કાયટ્રાને ટ્રાફિકની વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે પેસિવ મેગ્નેટિક લેવિટેશન એન્ડ પ્રોપલ્શન ટેકનોલોજીની શોધ કરી છે. સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશનનું સર્જન કરવા માટે સ્કાયટ્રાને આ ટેકનોલોજી ડેવલપ કરી છે. સ્કાયટ્રાન દ્વારા શોધવામાં આવેલી અતિ આધુનિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તેના દ્વારા ખાસ વિકસાવવામાં આવેલી પેટન્ટેડ પેસિવ મેગ્નેટિક લેવિટેશન ટેકનોલોજી પર આધારિત છે અને અત્યાધુનિક આઇટી, ટેલિકોમ, IoT અને એડ્વાન્સ મટિરિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરશે જે ઝડપી, સુરક્ષિત, પર્યાવરણીય રીતે અનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવી હશે. કંપનીને ઇનોવેશન એન્ડેવર્સ જેવા વિશ્વ કક્ષાના નોંધપાત્ર વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર્સની પણ સહાય મળી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'સ્કાયટ્રાનમાં બહુમતી હિસ્સો હાંસલ કરવો એ ભવિષ્યની ટેકનોલોજીના નિર્માણમાં રોકાણ કરવાની અમારી પ્રતિબદ્ઘતા દર્શાવે છે જે વિશ્વને નવો આયામ આપશે. ભારતમાં અને વિશ્વમાં અન્યત્ર શહેરની અંદર અને શહેરો વચ્ચે ઝડપી કનેકિટવિટી માટે, ઝડપી-કાર્યક્ષમ-પરવડે તેવું ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્લેટફોર્મ વિકસાવવા માટે સ્કાયટ્રાન જે સ્તરની ક્ષમતા ધરાવે છે એ જોઈને અમે ઉત્સાહિત છીએ. અમે દૃઢપણે માનીએ છીએ કે વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ કરીને વાયુ તથા ધ્વનિ પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરીને પ્રદુષણમુકત ઝડપી વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પર્યાવરણની જાળવણીમાં મહત્વનું યોગદાન આપશે.

આ સોદામાં રિલાયન્સ તરફે કોવિન્ગટન એન્ડ બર્લિંગ એલએલપી કાયદાકીય તથા ફ્રેશફિલ્ડ બ્રૂકહોન્સ ડેરિંગર યુએસ એલએલપી આઇપી સલાહકાર તરીકે હતા.

(3:01 pm IST)