Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુરેન્‍દ્રનગરના પોલીસપુત્ર સહિત ત્રણને દેશી પિસ્‍ટલ અને કાર્ટીસ સાથે વિંછીયા પોલીસે ઝડપી લીધા

વતન મોલસર ગામેથી પિસ્‍ટલ-કાર્ટીસ રેઢા મળ્‍યાનું ભાવેશ કોળીનું રટણઃ ત્રણેયને રીમાન્‍ડ ઉપર લેવા તજવીજ

તસ્‍વીરમાં પકડાયેલ પિસ્‍ટલ અને કાર્ટીસ તથા ત્રણ શખ્‍સો નજરે પડે છે

રાજકોટ, તા. ૧ :. વિંછીયા પોલીસે સુરેન્‍દ્રનગરના પોલીસપુત્ર સહિત ત્રણને દેશી પિસ્‍ટલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા.

ચૂંટણી અંતર્ગત રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચના અન્‍વયે વિંછીયાના પીએસઆઈ ટી.એસ. રીઝવી તથા સ્‍ટાફ વિંછીયાના મોઢુકા ગામ પાસે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મોઢુકા ગામ તરફથી બાઈક નં. જીજે ૧૩ એએફ ૮૮૨૩ ઉપર ત્રિપલ સવારીના નીકળેલ ભરત ભોળાભાઈ માલકીયા રે. છાંસીયા, વિજય પોપટભાઈ ચાવડા રે. મુળ રાજપરા તા. ચોટીલા તથા ભાવેશ વિનુભાઈ રાજપરા રે. મૂળ મોલસર ગામ તા. ચોટીલા હાલ સુરેન્‍દ્રનગર પોલીસ હેડ કોન્‍સ. બ્‍લોક નં. ૧ રૂમ નં. ૨ને અટકાવી તલાસી લેતા ભાવેશના નેફામાંથી ગેરકાયદે દેશી બનાવટની પિસ્‍ટલ તથા ૩ કાર્ટીસ મળી આવતા ઉકત ત્રણેય શખ્‍સોની બાઈક, મોબાઈલ, પિસ્‍ટલ અને કાર્ટીસ મળી કુલ ૫૮, ૮૦૦ રૂા.ના મુદામાલ સાથે ધરપકડ કરાઈ હતી.

પકડાયેલ ભાવેશ કોળી પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું અને તે આ પિસ્‍ટલ તથા કાર્ટીસ વતન મોકાસર ગામેથી રેઢી મળ્‍યાનું રટણ કરે છે. આ પિસ્‍ટલ-કાર્ટીસ કયાંથી લીધા ? તે હકીકત જાણવા ત્રણેયને રિમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે.

આ કાર્યવાહીમાં વિંછીયાના પો કો. યુવરાજસિંહ વાઘેલા, નિલેશભાઈ ઝાપડીયા, હેડ કોન્‍સ. હિતેષભાઈ સોયા તથા પો.કો. રાજાભાઈ રગીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(1:19 pm IST)