રાજકોટ
News of Saturday, 31st October 2020

લોઠડા ગામની ખેતીની જમીનના વેચાણ સામે મનાઇ હુકમ ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૩૧: લોઠડાની વારસાઇ ખેતીની જમીનના વેચાણ સામે મનાઇહુકમ ફરમાવી હિન્દુ વારસા ધારા મુજબ અગત્યનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ તાલુકાના લોઠડા ગામના રહીશ લાલજીભાઇ દાનાભાઇ ધોરાળીયા દ્વારા તેમની વારસાઇ ખેતીની જમીન કે જે લોઠડાના રેવન્યુ સર્વે નં.૧૩૯ માંહેથી ૨ એકર જમીન રાજકોટના રહીશ વિનુભાઇ પાચાભાઇ આસોદરીયા તથા રામભાઇ ધુધાભાઇ રગીયાને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપેલ હતી અને સદરહુ વેચાણ દસ્તાવેજના આધારે વિનુભાઇ પાચાભાઇ આસોદરીયા વિગેરેએ રેવન્યુ રેકર્ડમાં નોંધ પણ દાખલ કરી દીધેલ હતી.

ઉપરોકત વેચાણ દસ્તવેજની લાલજીભાઇ દાનાભાઇના વારસદારોને જાણ થતા તેમના પુત્ર નારણભાઇ લાલજીભાઇ ધોરાળીયા વિગેરેએ રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરીને વિનુભાઇ પાચાભાઇ આસોદરીયા વિગેરેને કરી આપેલ વેચાણ દસ્તાવેજ રદ કરવા અને મનાઇહુકમ મળવાની દાદ માંગેલ હતી.

બંને પક્ષની રજુઆત ધ્યાને લઇને રાજકોટ સીવીલ કોર્ટના ન્યાયાધીશ શ્રી એલ.ડી વાઘે એવો હુકમ કરેલ છે છે પ્રતિવાદીઓ વિનુભાઇ પાચાભાઇ આસોદરીયા તથા રામભાઇ ઘુઘાભાઇ રગીયા આ દાવાનો આખરી ન્યાય નિર્ણય ન થાય ત્યાં સુધી તેઓએ દસ્તાવેજથી ખરીદ કરેલ લોઠડા ગામની દાવાવાળી મિલ્કતનું અન્ય કોઇ ત્રાહીત વ્યકિતને વેચાણ, વ્યવહાર કે ટ્રાન્સફર કરવો નહી અને હાલની જે સ્થિતિ છે તે દાવાના નીકાલ સુધી જાળવી રાખવી તેવો મનાઇહુકમ આપેલ છે.

નારણભાઇ લાલજીભાઇ ધોરાળીયા વિગેરે વતી રાજકોટના વકીલ શ્રી એમ.કે. પાલ, અરૂણ એમ.પાલ, જી.આર.પરમાર, દિપક ડી.લીંબાસીયા રોકાયેલ છે.

(2:34 pm IST)