રાજકોટ
News of Saturday, 31st October 2020

એ ભડાકો કરશે એવી બીક લાગતાં રિવોલ્વર ઝુંટવી લીધાનું નિતીન નંદાનું રટણઃ રિમાન્ડની તજવીજ

હોટેલ સંચાલકની રિવોલ્વર લૂંટી લેનાર એકને એ-ડિવીઝન પોલીસે દબોચ્યો

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક સોસાયટી શેરી નં. ૬માં પુષ્કર ખાતે રહેતાં અને પરાપીપળીયા ગામે ખેતી તથા પુષ્કર નામે હોટેલ ચલાવતાં હિતેષ અમરાભાઇ હુંબલ (આહિર) (ઉ.વ.૩૩)ની રિવોલ્વર લૂંટી લેવાયાના ગુનામાં એ-ડિવીઝન પોલીસે એ કઆરોપી નિતીન મહેશભાઇ નંદા (કચ્છી ભાનુશાળી) (ઉ.વ.૨૫-રહે. વૈદિક વિહાર સોસાયટી, રામાણી પાર્ક સામે મોરબી રોડ)ને પકડી લઇ તેણે લૂંટેલી રિવોલ્વર અને છ કાર્ટીસ કબ્જે કરાયા છે. પોતાના પર ભડાકો થશે એવો ભય લાગતાં રિવોલ્વર પડાવી લીધાનું નિતીને રટણ કર્યુ હોઇ તેની વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ગાંધીગ્રામ પોલીસે હિતેષ હુંબલની ફરિયાદ પરથી પિયુષ ડેર તથા નંદો અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૯૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ લૂંટનો ગુનો નોંધ્યો હતો. હિતેષના બનેવી ઘનશ્યામભાઇને તેના મિત્ર જયદિપે ગાળો દીધી હોઇ તે અંગેના સમાધાનની વાત કરવા જયદિપના મિત્ર પિયુષ ડેરએ ઇન્દિરા સર્કલ પાસે બોલાવતાં હિતેષ તેના બનેવી ઘનશ્યામભાઇ સાથે ત્યાં ગયેલો ત્યારે પિયુષ ડેર, નિતીન નંદા સહિતે મારામારી કરી હતી અને હિતેષની પરવાનાવાળી છ કાર્ટીસ સાથેથી રિવોલ્વર લૂંટી લીધી હતી.

નિતીન જસાણી કોલેજમાં અભ્યાસ કરે છે. તે વિરાણી ચોકમાં હોવાની અને તેની પાસે લૂંટેલી રિવોલ્વર હોવાની બાતમી એ-ડિવીઝનના એએસઆઇ બી. વી. ગોહિલ, હેડકોન્સ. વી.ડી. ઝાલા અને કોન્સ. જગદીશભાઇ વાંકને મળતાં પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હારૂનભાઇ ચાનીયા, મોૈલિકભાઇ સાવલીયા, મેરૂભા ઝાલા, નરેશભાઇ ઝાલા સહિતે તેને પકડી લીધો હતો. પ્રાથમિક પુછતાછમાં તેણે રટણ કર્યુ હતું કે સમાધાનની વાત વખતે ભડાકો થશે તેવો ભય લાગતાં રિવોલ્વર પડાવી લીધી હતી.

નિતીન નંદા અગાઉ નિર્લજ્જ હુમલો, અપહરણ અને ધમકીના ગુનામાં  સંડોવાચઇ ચુકયો છે. તેની વિશેષ પુછતાછ ડીસપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં થઇ રહી છે.

(12:48 pm IST)