રાજકોટ
News of Saturday, 31st October 2020

માધાપર ચોકડી પુલ નીચે ટ્રેન હેઠળ કપાઇ જતાં હરસુખભાઇ ચિત્રોડાનું મોત

સાંજે બાઇક લઇ ઘરેની નીકળ્યા બાદ બનાવઃ ૧૫૦ રીંગ રોડ બાલાજી પાર્કના પ્રજાપતિ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૧: માધાપર ચોકડી ઓવર બ્રિજ નીચે ખંઢેરી અને રાજકોટ સ્ટેશન વચ્ચે રાત્રીના એક પ્રોૈઢનું ટ્રનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. રેલ્વે પોલીસની તપાસમાં મૃતક મવડી ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બાલાજી પાર્ક-૨માં રહેતાં હરસુખભાઇ નાથાભાઇ ચિત્રોડા (સોરઠીયા પ્રજાપતિ કુંભાર) (ઉ.વ.૫૮) હોવાનું ખુલ્યું હતું.

એક પુરૂષ સોૈરાષ્ટ્ર મેલની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યાની જાણ રેલ્વે પોલીસને થતાં હેડકોન્સ. હિતેષભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા મોબાઇલને આધારે તપાસ થતાં તેમના સ્વજનોનો સંપર્ક થયો હતો અને મૃતક હરસુખભાઇ ચિત્રોડા હોવાનું ખુલ્યું હતું.

રેલ્વે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હરસુખભાઇ ચાર ભાઇઓમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ફર્નિચર કામ કરતાં હતાં. સાંજે ઘરેથી બાઇક લઇને કામ સબબ નીકળ્યા હતાં અને બાદમાં તેઓ ટ્રેનની ઠોકરે ચડી ગયાની પરિવારજનોને ખબર પડતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે રેલ્વે પોલીસે તપાસ યથાવત રાખી છે.

(10:31 am IST)