રાજકોટ
News of Friday, 30th July 2021

મંગળવારે વડાપ્રધાન રાજકોટમાં કાર્ડ હોલ્ડરો સાથે 'વર્ચ્યુઅલ' સંવાદ કરશે

રાજ્યના ૮ દિ'ના કાર્યક્રમ તા. ૩નો કાર્યક્રમ ઉમેરાયો : સીએમ પણ હાજર રહેશે : દાહોદમાં ખાસ કાર્યક્રમ : વડાપ્રધાન અન્ન સહાય યોજના હેઠળ રાજકોટ શહેર - જિલ્લાની ૭૩૦ દુકાનોના ૨૫-૨૫ કાર્ડ હોલ્ડરોને સ્પે. ઘઉં - ચોખા મફત અપાશે : કુલ ૧૮૨૫૦ કાર્ડ હોલ્ડરોને વહેલુ અનાજ મળી જશે : દરેક દુકાનો વાડી - સ્કુલ જેવા સ્થળો ઉપરથી લાઇવ પ્રસારણ : પૂરવઠા અને પ્રાંત અધિકારીઓને સીધી જવાબદારી : માલ લીફટીંગ કરાવવા નિગમ - દુકાનદારોની ભારે દોડધામ : હજુ અનેકે પરમીટ પણ લીધી નથી

રાજકોટ તા. ૨૨ : ગુજરાત સરકાર પોતાના શાસનના ૫ વર્ષ પૂરા કરી રહી છે, તે સંદર્ભે તા. ૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં કાર્યક્રમોની હારમાળા ગોઠવાઇ છે, આ ૧ થી ૯ તારીખમાં તા. ૩ ખાલી હતી, તે દિવસે કોઇ કાર્યક્રમ ન હતો પરંતુ હવે એક મહત્વનો કાર્યક્રમ ઉમેરાયો છે.

રાજકોટ શહેર - જિલ્લાની પૂરવઠાની ૭૩૦ જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, આ દુકાનો ઉપરથી દર મહિનાની ૧૧ તારીખથી મફત અને રાહતદરે એમ બે પ્રકારનું અનાજ NFSAમાં આવતા ૨ લાખ ૯૪ હજાર કાર્ડ હોલ્ડરોને અપાય છે.

આ વખતે ઓગસ્ટ મહિનાનું અનાજ ૧૧મીથી વિતરણ થશે, પરંતુ તે પહેલા આગામી તા. ૩ ઓગસ્ટે દરેક દુકાનો ઉપર ૨૫-૨૫ કાર્ડ હોલ્ડરોને વડાપ્રધાન અન્ન સહાય યોજનાનું મફત ઘઉં - ચોખાનું વિતરણ થશે, આ માટે દરેક દુકાનદારને પોતાના કાર્ડ હોલ્ડરમાંથી ૨૫-૨૫ NFSA કાર્ડ હોલ્ડરની યાદી મોકલી દેવા પુરવઠા તંત્રે સુચના આપતા અને નિગમમાંથી માલ લીફટીંગ કરી દુકાનો ઉપર પહોંચાડવા રાજ્ય સરકારની સીધી સૂચના આવતા નિગમનું તંત્ર અને દુકાનદારોને જથ્થા અંગે દોડધામ થઇ પડી છે.

આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો છે કે દરેક સસ્તા અનાજની દુકાન કે નક્કી કરાયેલ સ્કુલ - વાડી - હોલ ખાતે ૨૫-૨૫ પરિવારોને વિતરણ થવાનું છે, તેનું લાઇવ પ્રસારણ રાજ્યભરમાં થશે, અને આ કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ પોતે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂ.પાણી ખાસ વર્ચ્યુઅલ હાજર રહેનાર છે, વડાપ્રધાન તો સંભવતઃ સસ્તા અનાજના એકથી બે દુકાનદાર અને કાર્ડ હોલ્ડરો સાથે સીધો સંવાદ પણ કરે તેવી શકયતા અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે, જો કે આ સીધા સંવાદ અંગે હાલ ફાઇનલ ગોઠવાયું નથી, પરંતુ વડાપ્રધાન વર્ચ્યુઅલ હાજર રહેશે તે ફાઇનલ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

રાજકોટ શહેર - જિલ્લામાં ૭૩૦ દુકાનો આવેલી છે, દરેકના ૨૫-૨૫ કાર્ડ હોલ્ડરો જેના ૧૮૨૫૦ કાર્ડ હોલ્ડરોને બોલાવાયા છે, આનો મુખ્ય કાર્યક્રમ દાહોદ ખાતે થનાર છે, જ્યાં વિજયભાઇ રૂ.પાણી પોતે ખાસ હાજર રહેશે, આ સીધા સંવાદ - વર્ચ્યુઅલ કાર્યક્રમ અંગે કલેકટરે પુરવઠા - દરેક પ્રાંત - મામલતદારને સીધી જવાબદારી સોંપી છે, પરિણામે અધિકારીઓ પણ ધંધે લાગી ગયા છે.

(4:07 pm IST)