રાજકોટ
News of Friday, 30th July 2021

મોટા પરદાની મજા જ નોખીઃ શહેરના સિનેમા ઘરો આજથી ખુલ્યા

રાજકોટઃ કોરોનાકાળમાં લોકડાઉન વખતે તમામ ધંધા રોજગાર બંધ થઇ ગયા હતાં. સિનેમાઘરોમા જઇ ફિલ્મ જોવાના શોખીનોને મનોરંજન માટે ડિજીટલ પ્લેટફોર્મનો સહારો લેવો પડ્યો હતો. નવી અને મોટા સ્ટાર્સની ફિલ્મો, વેબ સિરીઝ પણ ડિજીટલ પ્લેટફોર્મ પર લોકોએ મનભરીને માણી હતી. પરંતુ મોટા પરદા પર ફિલ્મ જોવાની મજા જ કંઇક જુદી હોય છે. લગભગ પોણા બે વર્ષથી કોરોનાને કારણે સિનેમાઘરો બંધ ચાલુ...બંધ ચાલુની હાલતમાં રહ્યા હતાં. હવે રાજકોટમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હોઇ આજથી ફરીથી સિનેમાઘરો ખોલવામાં આવ્યા છે. ગેલેકસી, આયોનેકસ રિલાયન્સ મોલ, આર વર્લ્ડ-ધરમ, કોસ્મોપ્લેકસ-કાલાવડ, રાજેશ્રી જેવા સિનેમાઘરોમાં રાજકોટવાસીઓ ફિલ્મો નિહાળે છે. આજથી મોટા ભાગના સિનેમાઘરો નિયમોને આધીન શરૂ થયા છે. હાલમાં મોરલ કોમ્બાટ, ચાલ જીવી લઇએ, ગોડઝિલા વર્સીસ કોંગ, મુંબઇ સાગા જેવી ફિલ્મો દર્શાવાઇ રહી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) 

(3:11 pm IST)