રાજકોટ
News of Thursday, 1st June 2023

એક કંપનીમાં રોકેલા પોણો કરોડ ડૂબી જશે તેની ચિંતામાં યુનિવર્સિટી રોડ પરના ઓમેગા સુપરમાર્કેટના સંચાલકનો ફાંસો ખાઇ આપઘાત

૧૫૦ ફુટ રીંગ રોડ પર રોયલ એલિગન્‍સમાં રહેતાં ૨૯ વર્ષિય અલ્‍પેશ કોરડીયાના આપઘાતથી મુળ માળીયા હાટીનાના ખોરાસા ગીરના પરિવારમાં શોકની કાલિમા :પંચાયત ચોકમાં આરએમસી ગાર્ડન પાસે બનાવઃ પત્‍નિ પ્રક્ષિતાએ ફોન જોડતાં રિસીવ ન થતાં રૂબરૂ આવ્‍યા ત્‍યારે શટર બંધ હોઇ પાછળના ભાગે ગોડાઉનમાં જઇ ઓફિસની બારીમાં જોતાં પતિ લટકતાં દેખાયાઃ સુપરમાર્કેટમાં ૧ થી ૪ રિસેશ હોઇ તે વખતે અંદર જ આવેલી ઓફિસમાં પગલુ ભર્યુઃ માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૩૧: શહેરના યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં ઓમેગા સુપરમાર્કેટ ધરાવતાં દોઢસો ફુટ રીંગ રોડ પર રોયલ એલિગન્‍સમાં રહેતાં મુળ માળીયા હાટીનાના ખોરાસા ગીરન વતની યુવાને સુપરમાર્કેટની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ યુવાન વેપારીએ એક ઓનલાઇન કંપનીમાં પોણા કરોડ જેવું રોકાણ થોડા દિવસ પહેલા કર્યુ હતું. આ પછી તેને મિત્રો, સ્‍વજનોએ આટલુ બધુ રોકાણ ન કરાય તે બાબતે સલાહ સુચનો આપતાં તેને નાણા ડૂબી જવાનો ભય લાગતાં આ પગલુ ભરી લીધાનું ખુલ્‍યું છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ યુનિવર્સિટી રોડ પંચાયત ચોક આર.એમ.સી. ગાર્ડન સામે ચંદ્રમોૈલેશ્વર મંદિર નજીક આવેલા ઓમેગા સુપરમાર્કેટની ઓફિસમાં સંચાલક અલ્‍પેશભાઇ ભગવાનજીભાઇ કોરડીયા (ઉ.વ.૨૯)એ પંખામાં ઇલેક્‍ટ્રીક વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ મારફત થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વિજયભાઇ બાલસ અને મોનાબેને ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસે તપાસ કરતાં આપઘાત પુર્વે અલ્‍પેશભાઇ કોરડીયાએ લખેલી એક સ્‍યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પોતાના પપ્‍પા, મમ્‍મી, પત્‍નિ અને મિત્રોને ઉદ્દેશીને લખાણ કર્યુ હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ કરતાં એવી વિગતો સામે આવી હતી કે અલ્‍પેશભાઇ ઓમેગા સુપરમાર્કેટ ચલાવતાં હતાં. સાથે સાથે ઓનલાઇન રોકાણ પણ કરતાં હતાં. થોડા દિવસ પહેલા તેમણે ઇલેક્‍ટ્રીક ચીજવસ્‍તુઓનું ઉત્‍પાદન કરતી કોઇ કંપનીમાં અંદાજે પંચોતેર લાખનું રોકાણ કર્યુ હતું. આ પછી તેણે પરિવારજનો, મિત્રોને આ બાબતની જાણ કરી હતી. ત્‍યારે મોટા ભાગનાએ તેને આ રીતે જાણ્‍યા જોયા વગર આટલુ મોટુ રોકાણ ન કરાય તેવી સલાહ સુચનો આપ્‍યા હતાં. આ પછી તેને પોતે કરેલા રોકાણમાં વળતર નહિ મળે અને નાણા ડુબી જશે તો? તે અંગે ચિંતા શરૂ કરી હતી.

સુપરમાર્કેટમાં બપોરે એકથી ચાર રિશેષ હોઇ પત્‍નિ પ્રક્ષીતાબેને પતિ અલ્‍પેશભાઇને ફોન જોડયો હતો. પરંતુ ફોન રિસીવ ન થતાં તે રૂબરૂ સુપરમાર્કેટ ખાતે પહોંચ્‍યા હતાં. ત્‍યારે શટર બંધ હતાં. પાછળના ભાગે ગોડાઉન હોઇ ત્‍યાંથી અંદર જઇ તપાસ કરતાં પતિને સુપરમાર્કેટની ઓફિસમાં લટકતાં જોઇ તેઓ હેબતાઇ ગયા હતાં અને સ્‍વજનોને જાણ કરી હતી.  પોણા કરોડના રોકાણમાં વળતર નહિ મળે તેવા ભયથી આ પગલુ ભર્યાનું હાલ પોલીસ તપાસમાં ખુલ્‍યું છે.

આપઘાત કરનાર અલ્‍પેશભાઇ એક બહેનથી નાના હતાં. મુળ માળીયા હાટીનાના ખોરાસા ગીરના વતની હતાં. તેમના આપઘાતથી માસુમ પુત્રએ પણ પિતાની છત્રછાંયા ગુમાવી છે. બનાવએ પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

આપઘાત પુર્વે પિતા-માતા-પત્‍નિ અને મિત્રોને ઉદ્દેશીને ચિઠ્ઠી લખી

પિતાને ઉદ્દેશીને ચિઠ્ઠીમાં લખ્‍યું-પપ્‍પા મને માફ કરજો, હું તમારી સારસંભાળ રાખી ન શક્‍યો, જવાબદારી નિભાવી ન શક્‍યો *માતાને ઉદ્દેશીને લખ્‍યું-હવે હું તમારી સાથે નહિ રહી શકું *પત્‍નિને કહ્યું-દિકરાનું ધ્‍યાન રાખજે *મિત્રો માટે લખ્‍યું-હું તમારા પ્રોજેક્‍ટમાં કામ કરી શકીશ નહિ

(3:11 pm IST)