રાજકોટ
News of Tuesday, 31st January 2023

લલૂડી વોંકળીનો જે. પી. ક્રેડિટનો સંચાલક નિલેષ મજૂર મહિલાની મરણમૂડીના ૧૫ લાખ ખાઇ ગયો

નિલકંઠ પાર્ક પાસે અગાઉ રહેતાં હાલ ટંકારા રહેવા ગયેલા મહેમુદાબેન કઇડાએ ૨૦૧૮માં ચાર સગીર દિકરી, એક દિકરાના નામે ૩-૩ લાખ મળી પંદર લાખ નિલેષ પાટડીયાની બેંકમાં પાંચ વર્ષમાં ડબલની સ્‍કીમમાં મુક્‍યા હતાં: પણ પાકતી મુદ્દતે નિલેષે હાથ ઉંચા કરી દીધાઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: છેતરપીંડીનો વધુ એક કિસ્‍સો બન્‍યો છે. લલુડી વોંકળીમાં રહેતાં એક શખ્‍સે પોતે જે. પી. ક્રેડિટ બેંક નામે બચત યોજના ચલાવતો હોઇ અગાઉ રાજકોટ રહેતાં અને હાલ ટંકારા રહેવા ગયેલા મુસ્‍લિમ મહિલાની ચાર સગીર દિકરીઓ અને એક દિકરાના નામે પાંચ વર્ષમાં ડબલની સ્‍કીમમાં બચતના નામે ૩-૩ લાખ મળી કુલ ૧૫ લાખની બચત કરાવી આ રકમ મેળવી લીધા બાદ હવે મુદ્દત પુરી થવામાં છે ત્‍યારે રકમ આપતો ન હોઇ અને ફોન પણ ઉપાડતો ન હોઇ મરણમુડી ગુમાવનાર મહિલાએ પોલીસની મદદ લીધી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે દેવપરા મેઇન રોડ નિલકંઠ પાર્ક કાવેરી એપાર્ટમેન્‍ટ સામે શ્રમશ્રધ્‍ધા ચોકમા રહેણાંક ધરાવતાં તેમજ હાલમાં રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા ચોકડી પાસે લક્ષ્મીનારાયણ સોસાયટી-૫માં ભાડેથી રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મહેમુદાબેન હુશેનભાઇ કઇડા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી કેનાલ રોડ કેવડાવાડી-૨૨થી અંદર લલુળી વોંકળી રામદેવ મંદિરની બાજુમાં રહેતાં નિલેષ ચુનીભાઇ પાટડીયા વિરૂધ્‍ધ  રૂા. ૧૫ લાખની ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

મહેમુબદાબેન કઇડાએ જણાવ્‍યું છે કે હું હાલ ટંકારા કારખાનામાં મજૂરી કરુ છુ અને અભણ છું. મારા પતિ હુશેનભાઇ રિક્ષા ડ્રાઇવીંગ કરે છે. મારે ચાર દિકરી અને એક દિકરો છે. વર્ષ ૨૦૧૮માં હું નિલકંઠ પાર્ક પાસે રહેતી હતી. ત્‍યારે બાજુમાં મારા માતા અમીનાબેન પણ રહેતાં હતાં. તેને ત્‍યાં લલુડી વોંકળીમાં રહેતો નિલેષ પાટડીયા કે જે ત્‍યારે જે. પી. ક્રેડિટ બેંક નામે બચત યોજના ચલાવતો હોઇ જેથી બચતની રકમ લેવા આવતો જતો હતો. બીજા લોકો પણ નિલેષ પાસે તેની અલગ અલગ યોજના બચત સ્‍કીમમાં નાણાનું રોકાણ કરી બચત કરતાં હતાં.

નિલેષે તે વખતે મને પણ કહેલું કે અલગ અલગ યોજનામાં બચત કરવાથી તમને ભવિષ્‍યમાં દિકરીવાળુ ઘર હોઇ રકમ કામ આવી શકે તેમ કહી સ્‍કીમો સમજાવતાં મેં પણ જે.પી. ક્રેડિટ બેંકમાં રોકાણ ચાલુ કર્યુ હતું. આ પછી મેં મારા સંબંધી રહેમાનભાઇ ડાકોરાને સાથે રાખી નિલેષ પાટડીયાની લલુડી વોંકળી ખાતે આવેલી જે. પી. ક્રેડિટ બેંક નામની ઓફિસે જઇ તેણે જણાવેલી બચતની સ્‍કીમો જાણી હતી. તેણે દિકરીઓના નામે નાણા મુકવા અને ભવિષ્‍યમાં  ખુબ કામ આવશે તેમ કહેતાં મેં નિલેષની બેંકમાં મારી દિકરી આઇના (ઉ.૧૨)ના નામે ૩ લાખ તથા મહેક (ઉ.૮)ના નામે ૩ લાખ, રૂકસાના (ઉ.૧૦)ના નામે ૩ લાખ અને અલ્‍વીશા (ઉ.૧૭)ના નામે ૩ લાખ તથા દિકરા શાબીર (ઉ.૧૪)ના નામે ૩ લાખ મળી કુલ ૧૫ લાખ પાંચ વર્ષ માટે મુક્‍યા હતાં. જેની પાકતી મુદ્દત ૧૯/૦૯/૨૦૨૩ છે.

ત્‍યારપછી ૨૦૨૦માં કોરોના વાયરસ અને લોકડાઉન આવતાં નિલેષ પાટડીયાએ તેની ક્રેડિટ બેંક બંધ કરી દીધી છે તેવા સમાચાર મને મળતાં મેં તેનો સંપર્ક કર્યો હતો. એ પછી નિલેષ મારા ઘરે આવેલ અને કહેલું કે મારી પાસે કુંભારવાડામાં એક ફલેટ છે તેનો દસ્‍તાવેજ તમને કરી આપીશ. પરંતુ ત્‍યારબાદ લાંબો સમય થવા છતાં દસ્‍તાવેજ કરી આપ્‍યો નહોતો. તેનો વારંવાર સંપર્ક કરતાં આજથી એકાદ વર્ષ પહેલા નિલેષે ફરીથી એવું કહેલું કે તેને જુનાગઢમાં જહાગીરપુરામાં એપાર્ટમેન્‍ટમાં પાંચમા માળે બે રૂમ હોલ કિચનની સગવડવાળો ફલેટ છે તેનો દસ્‍તાવેજ કરી આપશે. મેં તેને ફલેટ બતાવવાનું કહેતાં તેણે ત્‍યારે ફલેટ બતાવ્‍યો નહોતો અને ખુબ સારી કંડીશનમાં છે તેમ કહ્યું હતું. ત્‍યારબાદ જુનાગઢમાં જોષીપુરામાં રોયલ કીંગ એપાર્ટમેન્‍ટમાં ફલેટ નં. ૫૦૧ જે નિલેષના વકિલ હિતેષભાઇના નામનો હતો તેનો દસ્‍તાવેજ મારા પિતા હુશેનભાઇના નામે મને કરી આપ્‍યો હતો. પરંતુ અમને આ ફલેટ ગમતો ન હોઇ અમે ફલેટ નથી જોઇતો તેમ કહેતાં તેણે વકિલને વાત કરશે, તે ફલેટ વેંચાવી દેશે તેવી વાત કરી હતી. એ પછી ફલેટનો અસલ દસ્‍તાવેજ મેં હિતેષભાઇ વકીલની ઓફિસે આપી દીધો હતો. આજ સુધી ફલેટ વેંચાયો નથી.

છેલ્લા પાંચ માસથી હું નિલેષ પાટડીયા પાસે ધક્કા ખાવ છું ફોન કરુ છું પણ તે ફોન ઉપાડતો નથી અને મારા ૧૫ લાખ તેણે જે. પી. ક્રેડિટ બેંકના નામે રોકાણ કરાવ્‍યા હોઇ તે પણ આપતો ન હોઇ આ રકમ તે ઓળવી ગયો હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં મહેમુદાબેને જણાવતાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો દાખલ કરી વિશેષ તપાસ શરૂ કરી છે.

(3:45 pm IST)