રાજકોટ
News of Thursday, 30th June 2022

કાલાવાડ રોડ પરની શ્રીજી હોટેલ પરની મારપીટમાં એમ.જી. હોસ્ટેલનો કોઇ વિદ્યાર્થી સંડોવાયો નથીઃ કલેકટરને આવેદન

શ્રીજી હોટલ ખાતે હુમલા મુદ્ે એમ. જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા કલેકટરને હુમલામાં હોસ્ટેલનો કોઇ વિદ્યાર્થી ન હોવાનું જણાવી આવેદન આપ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-૧૭)

રાજકોટ તા. ૩૦ :.. શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ શ્રીજી હોટલ ખાતે થયેલ દુકાન માલીક ઉપરના હુમલા અંગે આજે એમ. જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન આપી શહેરની કોઇપણ ગુનાહિત પ્રવૃતિઓમાં એમ. જી. હોસ્ટેલનું નામ ખોટી રીતે સામેલ કરાતુ હોવાનું જણાવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ કાલાવાડ રોડ પર કે અન્ય સ્થળો પર કોઇ પણ ઝઘડા કે ગુનાહીત પ્રવૃતિઓ અન્ય કોઇ દ્વારા કરવામાં આવે તો તેમાં એમ. જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓનું નામ દાખલ કરી સતત બદનામ કરવાના પ્રયત્નો કરે છે. કોઇપણ ગુનાહીત પ્રવૃતિમાં હોસ્ટેલનો વિદ્યાર્થી ન હોય તો પણ  તેઓનું નામ વગેરેમાં નાખી હોસ્ટેલ ઉપર વારંવાર નિશાન તાકવામાં આવે છે.

હોસ્ટેલના વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવાનો પ્રયત્ન ઘણાં લાંબા સમયથી થઇ રહ્યો છે. અગાઉ અનેક ખોટા સમાચાર દ્વારા ગામડેથી આવતા વિદ્યાર્થીઓના માતા-પિતાના મનમાં નકારાત્મક છાપ ઉભી કરે છે જેનો પરોક્ષ ઉદેશ્ય અનુસુચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ શહેરમાં ભણવા ન આવે અને વર્ષોથી હાંસિયામાં ધકેલાયો સમાજ હાંસિયામાં જ રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે.

કાલાવાડ રોડ પર આવેલ 'શ્રીજી હોટેલ' પર મારપીટમાં એક પણ વિદ્યાર્થી હોસ્ટેલનો નથી છતાં પણ આ પ્રકારના ખોટા અહેવાલો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. આ બાબતે યોગ્ય કરવા કલેકટરને વિનંતી કરાઇ છે.

(4:03 pm IST)