રાજકોટ
News of Thursday, 30th June 2022

બિલખા પ્લાઝામાં ઓફિસ ધારકોની મિટીંગમાં થયો ડખ્ખોઃ પ્રમુખ એડવોકેટ મુકેશ ઠક્કર સાથે મારકુટ

મ્યુ. કોર્પોરેશન તરફથી નોટીસ મળી હોઇ સેલરમાં આવેલી મંત્રી વિજયસિંહની ઓફિસમાં બેઠક યોજાઇ હતી : સોડમ રેસ્ટોરન્ટવાળા જીજ્ઞેશ ધ્રુવે મુક્કા માર્યાની રાવ સાથે વકિલ સારવારમાં દાખલઃ વકિલો હોસ્પિટલે દોડી આવ્યા : સામા પક્ષે હોટેલ સંચાલક જીજ્ઞેશભાઇ ધ્રુવે કહ્યું-મને વાત કરવા બોલાવી ઓફિસમાં પુરીને હોકીથી ફટકારાયો

જ્યાં માથાકુટ થઇ તે ધરમ સિનેમા નજીક આવેલુ બિલખા પ્લાઝા બિલ્ડીંગ અને મારામારી થયા બાદ હોસ્પિટલે પહોંંચેલા એડવોકેટ મુકેશભાઇ ઠક્કર તથા સામા પક્ષે સોડમ હોટેલવાળા જીજ્ઞેશભાઇ ધ્રુવ અને બનાવની જાણ થતાં હોસ્પિટલે દોડી આવેલા વકિલો જોઇ શકાય છેઙ્ગઙ્ગઙ્ગ

રાજકોટ તા. ૩૦: ધરમ સિનેમા (આર વર્લ્ડ) નજીક આવેલા બિલખા પ્લાઝા બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતાં અને આ બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ એવા એડવોકેટ દ્વારા બિલ્ડીંગને મ્યુ. કોર્પોરેશન તંત્ર તરફથી ગંદકી બારામાં નોટીસ મળી હોઇ તે અંગે ચર્ચા કરવા સેલરના ભાગે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગરમા ગરમી થઇ જતાં અપર લેવલમાં રેસ્ટોરન્ટ ધરાવતાં સંચાલકે મારામારી કરી લીધાની રાવ સાથે એડવોકેટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા આવતાં બીજા વકિલો પણ દોડી આવ્યા હતાં. બીજી તરફ હોટેલ સંચાલક પણ પોતાને વાત કરવા બોલાવી ઓફિસમાં પુરી હોકીથી ફટકરાયાની રાવ સાથે હોસ્પિટલે પહોંચ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ એરપોર્ટ રોડ પર મારૃતિનગર-૨માં રહેતાં એડવોકેટ મુકેશભાઇ જયંતિભાઇ ઠક્કર (ઉ.વ.૫૫)ને ધરમ સિનેમા નજીક બિલખા પ્લાઝામાં ૧૦-બી નંબરની ઓફિસ છે. મુકેશભાઇ આ બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ પદે પણ સેવા આપે છે. આ બિલ્ડીંગમાં અપર લેવલ પર બે અઢી મહિનાથી સોડમ નામે રેસ્ટોરન્ટ ચાલુ થયું છે. જેના માલિક-સંચાલક જીજ્ઞેશભાઇ ધ્રુવ છે. મુકેશભાઇ આજે બપોરે મોઢામાંથી લોહી નીકળતી હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. અહિ તબીબની પ્રાથમિક પુછતાછમાં પોતાને સોડમ રેસ્ટોરન્ટવાળા જીજ્ઞેશ ધ્રુવએ મોઢા પર મુક્કા માર્યાનું જણાવતાં પોલીસ કેસ જાહેર કરાયો હતો.

મુકેશભાઇએ જણાવ્યું હતું કે હું મારી ઓફિસે પહોંચ્યો એ પછી અમે સેલરમાં ઓફિસ ધરાવતાં મંત્રી વિજયસિંહ મોરીની ઓફિસમાં આજે બેઠક રાખી હતી. અમારા બિલ્ડીંગને ગંદકી બાબતે મ્યુ. કોર્પોરેશન તરફથી નોટીસ મળી હોઇ જેથી આ બાબતે  ઓફિસ ધારકો અને સોડમ રેસ્ટોરન્ટના સંચાલક સાથે ચર્ચ કરવાની હતી. મિટીંગમાં ચર્ચા ચાલુ થતાં રેસ્ટોરન્ટ સંચાલક જીજ્ઞેશભાઇને ગંદકી બાબતે ધ્યાન દોરતાં તેમણે ઉશ્કેરાઇ જઇ મારામારી કરી હતી અને મોઢા પર મુક્કા ફટકારતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

બનાવની જાણ થતાં મુકેશભાઇના સાથી વકિલ મિત્રો પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને ઘટનાને વખોડી હતી. દરમિયાન સોડમ રેસ્ટોરન્ટવાળા જીજ્ઞેશભાઇ જગદીશચંદ્ર ધ્રુવ (ઉ.૫૩-રહે. ન્યુ જાગનાથ પ્લોટ) પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને પોતાને બિલખા પ્લાઝાના સેલરમાં ઓફિસમાં પુરી વિજયસિંહ અને મુકેશભાઇએ મારકુટ કરી હોકીથી ફટકાર્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મિટીંગમાં મારા ઉપર પાણી ચોરીનો અને ગંદકી ફેલાવવાનો આક્ષેપ કરી મારામારી કરવામં આવી હતી. મેં હજુ બે મહિનાથી રેસ્ટોરન્ટ ચાલુ કર્યુ છે એ તેઓને પસંદ ન હોઇ આ મારકુટ થઇ હોવાનું લાગે છે. પોલીસે બંને પક્ષના નિવેદન, ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૮)

(4:00 pm IST)