રાજકોટ
News of Thursday, 30th June 2022

કાલે અષાઢી બીજ : ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સહીત ધર્મમય આયોજનો

નાનામવા કૈલાસધામ આશ્રમ અને ઇશ્‍કોન મંદિર દ્વારા જાજરમાન શોભાયાત્રા : કોઠારીયાનાકા કોટેશ્વર મંદિરે ઉત્‍સવી કાર્યો : જય માતાજી ટ્રસ્‍ટ દ્વારા ૧૧ મણ લાડુનો પ્રસાદ

રાજકોટ તા. ૩૦ : કાલે અષાઢી બીજ છે. કચ્‍છી માડુઓનું નવુ વર્ષ. ચોમાસાની ઋતુમાં આ દિવસને શુકનવંતો માનવામાં આવે છે. લોકો સાંજે બીજના દર્શન કરી પરસ્‍પર શુભકામનાઓ પાઠવે છે.

સાથો સાથ આ દિવસે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નિકળતા હોય  ઠેરઠેર જાજરમાન શોભાયાત્રાના આયોજનો પણ થાય છે. જય રણછોડ માખણચોરના નાદથી માર્ગો કાલે ગુંજી ઉઠશે.

નાનામવા કૈલાસધામ આશ્રમ

રાજકોટમાં નાનામવા કૈલાસધામ આશ્રમ દ્વારા ભવ્‍ય શોભાયત્રાનું આયોજન કરાયુ છે. મંદિરના મહંતશ્રી  ત્‍યાગી મનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજી બાપુના વડપણ હેઠળ યોજાયેલ આ રથયાત્રા મુખ્‍ય ત્રણ રથ સાથે નીજ મંદિરેથી પ્રારંભ થઇ મોકાજી સર્કલ, પુષ્‍કરધામ, જે.કે.ચોક,  યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, મઢી ચોક, કિશાનપરા ચોક, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત)ચોક, સદર બજાર, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રીકોણ બાગ, સાંગણવા ચોક, ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામીનારાયણ મંદિર, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, દેવપરા, સહકાર નગર મેઈન રોડ, પી.ડી.એમ. કોલેજ, આનંદ બંગલા ચોક,  રાજનગર ચોક, નાનામૌવા મેઈન રોડ, શાષાીનગર, નાના મૌવા ગામ થઈને નીજ મંદિર પરત ફરશે. ત્‍યાં રાત્રે ૮:૩૦ વાગ્‍યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

ઇશ્‍કોન મંદિર

મોટામવા, કાલાવડ રોડ ખાતે આવેલ શ્રી ઇશ્‍કોન મંદિર, શ્રી રાધા નીલમાધવ ધામ ખાતે કાલે અષાઢી બીજ મહોત્‍સવનું આયોજન કરાયુ છે. ભવ્‍ય શોભાયાત્રા કાલે સાંજે ૪ વાગ્‍યે રામકૃપા ડેરી કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતેથી પ્રારંભ થઇ નીજ મંદિરે પહોંચશે. નાચગાન સાથે હરે રામા હરે કૃષ્‍ણના નાદથી માર્ગો ગજાવી દેવાશે. શોભાયાત્રાના વિરામ બાદ રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ પધારવા વૈષ્‍ણવસવા દાસ પ્રમુખ ઇશ્‍કોન મંદિર (મો.૯૮૯૮૫ ૫૦૧૮૫) દ્વારા અનુરોધ કરાયો છે.

ગીતા વિદ્યાલય

શહેરના જંકશન પ્‍લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્‍થાપિત સેવા સંસ્‍થા ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટના ગીતા મંદિર પરિસદમાં બિરાજમાન જગન્નાથજી પ્રભુના સાન્નિધ્‍યમાં કાલે તા.૧ને શુક્રવારે અષાઢી બીજની ઉજવણી થશે. મગ ચણાની પવિત્ર પ્રસાદીનું વિતરણ થશે. આ તકે મહિલા સત્‍સંગ મંડળના બહેનો ભજન-સત્‍સંગ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગીતા મંદિરમાં સંસ્‍થાની સ્‍થાપનાના વર્ષોથી જગન્નાથજી બિરાજમાન છે જયા છેલ્લા ૫૭ વર્ષોથી સતત ભગવદગીતાનો અને માનવસેવાનો ગુંજારવ થઇ રહ્યો છે.ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ટ્રસ્‍ટ

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કાલે તા. ૧ ના અષાઢી બીજના ડુંગર ઉપર બીરાજમાન માં ખોડીયારને ૧૧ મણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવશે. બીજ નિમિતે મહાઆરતી થશે. તેમજ ૨૧ બાળાઓની રાસ ગરબા હરીફાઇ રાજકૃતી એપાર્ટમેન્‍ટ, એફ-૧, એરપોર્ટ રેલ્‍વે ફાટક પાસે, રેસકોર્ષ  પાર્ક સામે યોજેલ હોવાનું દોલતસિંહ ચૌહાણ (મો.૮૯૮૦૫ ૦૧૫૦૩) અને ચંદુભાઇ ગોળવાળા (મો.૯૩૭૪૧ ૦૧૭૧૬) ની યાદીમાં જણાવાયુ છે.

કોઠારીયા કોલોની કોટેશ્વર મહાદેવ

કોઠારીયા કોલોની ખાતે કોટેશ્વર મહાદેવ મંદિરે અષાઢી બીજ નિમિતે કાલે  સવારે ૯ વાગ્‍યે ધ્‍વજારોહણ કરાશે. ભગવાન શિવજીને જલાભિષેક, દુગ્‍ધાભિષેક અને બીલીપત્રથી પુજા અર્ચના થશે. સાંજે વિશેષ મહાઆરતી ઉતારવામાં આવશે. કોટેશ્વર ગ્રુપના સભ્‍યો અષાઢી બીજની શોભાયાત્રામાં જોડાશે. તેમ કોટેશ્વર પરિવારની યાદીમાં જણાવાયુ છે.

 

(3:03 pm IST)