આજી જીઆઇડીસી પાસે રિક્ષાની ઠોકરે ચડતાં પત્નિની નજર સામે પતિનું મોત
મુળ બિહારનો વિજેન્દ્ર પ્રસાદ આજીડેમ ચોકડીએ રહેતાં સાળાના ઘરેથી પત્નિ સાથે પોતાના ઘરે પરત આવતો'તો ત્યારે બનાવ
રાજકોટ તા. ૩૦: આજી જીઆઇડીસી પાસે પત્નિ સાથે ચાલીને જઇ રહેલા મુળ બિહારના યુવાનનું રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ઢેબર રોડ અટીકા નજીક બાબા પાન પાસે રહેતો અને કારખાનામાં કામ કરતો મુળ બિહારનો વિજેન્દ્ર મોહનલાલ પ્રસાદ (ઉ.વ.૩૫) નામનો યુવાન ગઇકાલે પોતાની પત્નિ લક્ષ્મી સાથે આજીડેમ ચોકડીએ રહેતાં સાળાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી સાંજે આઠેક વાગ્યે પતિ-પત્નિ ચાલીને પરત પોતાના ઘર તરફ જવા નીકળ્યા એ વખતે આજી જીઆઇડીસી પાસે પહોંચતા અજાણી રિક્ષાનો ચાલક વિજેન્દ્રને ઠોકરે લઇ ભાગી ગયો હતો.
ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.