રાજકોટ
News of Thursday, 30th June 2022

તમામ રેસ્‍ટોરન્‍ટસ - હોટલમાં ગ્રાહકોની જાગૃતિ માટે બેનર લગાવાશે : શાકભાજી - દૂધના ફરજીયાત બે દિવસે સેમ્‍પલીંગ

ઓર્ગેનિક - નેચરલ ફોર્મિંગ કરતા ખેડૂતોને રાજકોટ અથવા ગોંડલ યાર્ડમાં ખાસ માર્કેટ પ્‍લેસ અપાશે

રાજકોટ તા. ૨૯ જૂન - ભારતના ખાદ્ય સુરક્ષા અને માનક સત્તા (FSSAI) વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઈટ રાઈટ' ઈન્‍ડીયા અભિયાનની ‘સેફ ફુડ, બેટર હેલ્‍થ' થીમ અન્‍વયે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ વિભાગની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરે ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ વિભાગના ઓફિસર એચ.જે.શાહ પાસેથી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી.
ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા માટે તમામ રેસ્‍ટ્રોરન્‍ટસ, હોટલ ગ્રાહકોની જાગૃતિ માટે બેનર લગાવવામાં આવશે. ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોને રાજકોટમાં અથવા ગોંડલ એ.પી.એમ.સી.માં માર્કેટ પ્‍લેસ આપવામાં આવશે. નાશવંત પ્રોડક્‍ટ જેવાકે લીલા શાકભાજી, દૂધ અને દુધની આઈટમોનું દર બે દિવસે સેમ્‍પલીંગ કરવામાં આવશે. તેમજ ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી ફુડ સેક્‍ટી ઓન વ્‍હિલ વાન આવીને ફુડ ટેસ્‍ટ કરશે અને વાંધાજનક જણાતા સત્‍વરે કાયદાકિય પ્રક્રીયા હાથ ધરશે. ચાલુ વર્ષે યોજાનારા લોકમેળામાં ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે તેમજ જનજાગૃતી માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે,વગેરે જેવા મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ તેના અમલીકરણ અંગેની કાર્યરચના નક્કી કરવામાં આવી હતી.            
નોંધણી, લાઇસન્‍સ, સર્વેલન્‍સ અને અમલીકરણ ડ્રાઇવ અંતર્ગત રૂ. ૧૭ લાખથી વધુની કિંમતનો હાનીકારક સામાન જપ્ત કરીને કાયદાકિય નષ્ટ કરી દેવામાં આવ્‍યો છે તેમજ સ્‍વાસ્‍થ્‍ય સંદર્ભે હાનીકારક સામાન વેંચનાર વ્‍યક્‍તિઓ વિરૂધ્‍ધ જરૂરી પગલાઓ પણ લેવામાં આવ્‍યા છે.     
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્‍ટર કે.બી.ઠક્કર, ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓ, હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ એસો.ના સભ્‍યો સહિતના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(2:58 pm IST)