રાજકોટ
News of Thursday, 30th June 2022

રાજકોટમાં અષાઢી બીજે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ૧૩૦૦ પોલીસ દળનું સુરક્ષા ચક્ર

૨૨ કિલોમીટરના રૂટ ઉપર ૩ રથ સાથે ૬૦ જેટલા વાહનો જોડાશે : સીસીટીવી, બાઇનોકયુલર, વોકી ટોકી અને ડ્રોન કેમેરાથી રખાશે ચાંપતી નજર

રાજકોટ, તા., ૨૯:  શુક્રવારે તા.૧લી જુલાઇના શહેરના કાલાવડ રોડ,  નાનામૌવા  સ્‍થિત જગન્નાથ મંદિરેથી કોરોના કાળના બે વર્ષ બાદ રંગે ચંગે નિકળનારી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની  રથયાત્રા સંદર્ભે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદના નેજા તળે સજ્જડ સુરક્ષા બંદોબસ્‍ત કરવામાં આવ્‍યા છે. આ સંદર્ભે આજે શાંતિ સમીતીની બેઠક બોલાવવામાં આવી હતી. ત્‍યાર બાદ બંદોબસ્‍તની માહીતી આપવા માટે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી.
પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહીતી આપતા શ્રી રાજુ ભાર્ગવે જણાવેલ કે, નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થઇ રર કિ.મી.ના રૂટ ઉપર ફરનારી આ રથયાત્રામાં ૩ મુખ્‍ય રથ સાથે પપ થી ૬૦ જેટલા વાહનો અને બેથી અઢી હજાર  ભાવીકો જોડાશે. રથયાત્રાના રૂટ ઉપર મહત્‍વની અને સ્‍ટેટીક જગ્‍યાઓ ઉપર ધાબા પોઇન્‍ટ અને ડીપ પોઇન્‍ટ પરથી લોંગ રેન્‍જ બાઇનોકયુલરથી સજ્જ પોલીસ કમાન્‍ડો હથીયારોથી સજ્જ બની ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન કેમેરાનું સતત સર્વેલન્‍સ રહેશે. સમગ્ર રથયાત્રા ઉપર પોલીસ કમિશ્નર કચેરી સ્‍થિત કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ પરથી વોચ રાખવામાં આવશે.
પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ એડીશ્નલ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદના નેજા તળે ૧૩૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સુરક્ષા ચક્ર રચવામાં આવ્‍યું છે. બે ડીસીપી, પાંચ એસીપી, ૧૬ પોલીસ ઇન્‍સ્‍પેકટર, પ૧ સબ ઇન્‍સ્‍પેકટર,  ૧૦ મહિલા સબ ઇન્‍સ્‍પેકટર, એસઆરપીના ૪૦ જવાનો, પોલીસ કાફલો, હોમગાર્ડ અને ટીઆરબી સમગ્ર રૂટ ઉપર બંદોબસ્‍ત માટે તૈનાત રહેશે. સુરક્ષા રૂટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્‍તારો અને ગીચ વિસ્‍તારોમાં સવિશેષ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.
રથયાત્રા મોકાજી સર્કલ (નાનામૌવા)થી શરૂ થઇ વૃંદાવન સોસાયટી, નીલ દા ઢાબા ચોક, પુષ્‍કરધામ, આલાપ એવરન્‍યુ, શિવશકિત કોલોની (જે.કે.ચોક), આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્‍દ્ર રોડ, સ્‍વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સહકાર મેઇન રોડ, નારાયણનગર, પી.ડી.એમ.કોલેજ, સ્‍વામીનારાયણ ચોક,  આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાનામૌવા મેઇન રોડ સર્કલ, શાષાીનગર, અલય પાર્ક, ગોવીંદ પાર્ક થઇ કૈલાસધામ આશ્રમ નીજ મંદિર ખાતે મહાઆરતી સાથે પુર્ણ થશે. યાત્રાને પ્રસ્‍થાન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ વિધિવત પુજન કરી કરાવશે.

 

(2:54 pm IST)