રાજકોટ
News of Thursday, 29th October 2020

ઇપીએફ-૯૫ પેન્શનમાં વધારો કરવા વિપક્ષી નેતાની માંગ

સીનીયર સિટીજનોને મોંઘવારીમાં હાલત કફોડી : કુટુંબનું ભરણપોષણ કરવા અને માંદગી અને દવાના ખર્ચા પણ નીકળતા નથી જેથી રૂ.૭૫૦૦/-જેટલું પેન્શન આપો : વશરામભાઇ સાગઠીયા

રાજકોટ,તા.૨૯ : રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદીમાં જણાવ્યું છે કે હાલ કોરોના મહામારીની સ્થિતિઓમાં લોકડાઉન, મોંધવારી, નોટબંધી, બેંક લોનના હપ્તા, મકાન ભાડા, મોંઘા શાકભાજી, દવામાં ભાવવધારો વગેરે જેવી અનેક પરિસ્થિતિઓમાં પેન્શનરો ત્રાહિમામ પોકારી ગયા છે તેમજ કર્મચારી મંડળો અનેક જગ્યાએ રજુઆતો કરેલ છે તેમ છતાં પેન્શન બાબતે કોઈ જ નિર્ણય લેવાયો નથી ત્યારે EPF મેળવતા  પેન્શનરોની હાલત કફોડી થઇ છે.

EPF-1995 પેન્શનરો બોર્ડ, નિગમ, અને અસંગઠિત ક્ષેત્રના નિવૃત સરકારી કર્મચારીઓને સરકારે હળાહળ અન્યાય કર્યો છે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ-૨૦૨૦માં રૂ.૭૫૦૦/- આપવા માટે યુનિયનની રજૂઆતને ખાતરી આપી હતી પરંતુ, આજદિન સુધી કોઈ જ સહાય કે પેન્શન મળેલ નથી.

આ સ્કીમમાં આશરે ૬.૫ લાખ કર્મચારીઓ છે જેઓને માસિક રૂ.૩૦૦/- થી રૂ.૨,૦૦૦/- સુધી પેન્શન ચૂકવાઈ રહ્યું છે અને હાલની મોંઘવારીને ધ્યાને રાખી રૂ.૭૫૦૦/- જેટલું પેન્શન ચૂકવવા વ્યાપક માંગ ઉઠી છે જેને ધ્યાને લઇ સીનીયર સીટીજનો કુટુંબનું ભરણપોષણ, દવાના ખર્ચા, મોંઘવારી, બેંક લોનના હપ્તા સહિતની સમસ્યાઓમાં સરકાર તરફથી આર્થિક સહાય આપી મદદરૂપ બને અને માનવીય અભિગમ અપનાવી ઉકેલ લાવે તેવી વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ માંગ કરી છે.

(4:07 pm IST)