રાજકોટ
News of Thursday, 29th October 2020

રેસકોર્ષ સંકુલમાં ૧૦.૪ર કરોડના ખર્ચે નવીનીકરણ

હોકી-ફુટબોલ ગ્રાઉન્ડમાં ગેલેરી, ઇન્ડોર સ્ટેટિયમમાં વુડન ફલોરીંગ, પ્લેનેટોરિયમનું રિનોવેશન, લોકમેળાના વોલીબોલ કોર્ટ, રીંગરોડ ફરતે ગ્રીલનું રંગરોગાન, પ્રિકટીસ માટે અલગ સ્વીમીંગ પુલ, સ્ટેપ ગાર્ડનમાંં રેલીંગ સહીતના વિકાસકામો થશેઃ મેયર બીનાબેન, સ્ટે. ચેરમેન ઉદય કાનગડ, બાંધકામ ચેરમેન મનીષ રાડિયા દ્વારા વિગતો જાહેર

રાજકોટ, તા. ર૯ : મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના રમતવીરોને આગળ વધી શકે અને રાજય, નેશનલ કક્ષાએ રાજકોટ શહેરનું નામ રોશન કરે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલમાં ઇન્ડોર સ્ટેડીયમ હોકી, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ પોર્ટ, અદ્યતન એથ્લેકટીક ટ્રેક, ટેનીસ કોર્ટ, જીમ્નેશીયમ વિગેરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલ છે. આ ઉપરાંત પ્લેનેટોરિયમ, વિજ્ઞાન ભવન, આર્ટ ગેલેરી, બાળક્રિડાંગણ, જુદા જુદા ગાર્ડન, મહિલા ગાર્ડન વિગેરેની પણ સુવિધા તેમજ વોલીબોલ કોર્ટ બનાવવાનું પણ કાર્યવાહી ગતિમાં છે.

રેસકોર્ષ ખાતેના જુદા જુદા પ્રોજેકટમાં સુધારા-વધારા અને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન હાથ ધરેલ છે. જેમાં, રૂ.૧૦.૪૨ કરોડના ખર્ચે જુદા જુદા કામો આર્ટ ગેલેરી રીનોવેશન, ઇન્ડોર સ્ટેડીયમમાં વૂડન ફલોરીંગનું કામ, હોકી અને ફૂટ બોલ ગ્રાઉન્ડ વચ્ચે વ્યુંઈંગ ગેલેરી બનાવવાનું કામ, વિજ્ઞાન ભવન કોમ્યુટર સેન્ટર અને પ્લેનેટોરિયમમાં રીનોવેશન કરવાનું કામ, વરસાદી પાણીના નિકાલ માટે ઓપન ગટર બનાવવાનું કામ, લોકમેળાના ગ્રાઉન્ડમાં બ્યુટીફિકેશનનું કામ, રેસકોર્ષ રીંગ રોડ ફરતે હયાત એમ.એસ.ગ્રીલ ને કલર કરવાનું કામ, વોલીબોલ કોર્ટ બનાવાવનું કામ, ઇન્ડોર સ્ટેડીયમમાં રૂફને વોટર પ્રુફીંગ/રૂફ બદલવાનું કામ, રેસકોર્સ સંકુલમાં નવા પેવર કરવાનું કામ, સ્ટેપ ગાર્ડનમાં રેલીંગ અને ધ્રોલપૂરી લાદી રીપેર કરવાનું કામ, રેસકોર્ષ સ્નાનાગાર ખાતે ઓફીસ, ચિલ્ડ્રન શાવરરૂમ અને ટોઇલેટ, રી-સાયકલ પ્લાન્ટ ચિલ્ડ્રન બાથ, વેઈટીંગ લોજ, કોચ રૂમ, બેલેન્સ ટેંક, જુના ફિલ્ટર પ્લાન્ટના બાંધકામને રીનોવેશન/નવું બનાવવા, નવા ફિલ્ટર પ્લાન્ટના બિલ્ડીંગ પર પેરેન્ટ્સ માટે વ્યુંઈંગ ગેલેરી, પ્રેકટીસ માટે નવો નાનો સ્વીમીંગ પુલ સહિતના કામો, રેસકોર્ષમાં સ્નાનાગાર, એથ્લેટિક ટ્રેક, ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ પાસે ટર્ન સ્ટાઈલ માટે એ.સી.પી.ના ડેકોરેટીવ કેનોપી બનાવવાનું કામ, જીમ્નેશીયમ પાસે હયાત યુરીનલને રીનોવેશન કરવાનું કામ, પ્લેનેટોરિયમની મશીનરી અને હોલમાં જરૂરી રીપેરીંગ અને રીનોવેશન કરી ફરી કાર્યરત કરવાનું કામ વિગેરે કામ કરવામાં આવશે. જે કામો પૈકી રૂ.૭૧ લાખના ખર્ચે વિજ્ઞાન ભવન કોમ્યુટર સેન્ટર અને પ્લેનેટોરિયમમાં રીનોવેશન કરવાનું કામ, રૂ.૧૫.૫૦ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ઓપન ગટર બનાવવાનું કામ, સ્ટેપ ગાર્ડનમાં રેલીંગ અને ધ્રોલપૂરી લાદી રીપેર કરવાનું કામ વિગેરેના ટેન્ડર પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાકીના કામો માટે કાર્યવાહી ગતિમાં છે.

(4:06 pm IST)