ખોડીયારનગરના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ દારૂની ૭૦ બોટલ કબ્જે
જીતેન્દ્ર ગઢાદરા અને હરેશ બસીયાની શોધઃ દારૂનો જથ્થો, બે એકટીવા, રોકડ સહિત ૧.પ૬ લાખની મત્તા કબ્જે
રાજકોટ તા. ર૯: શહેરના આજી વસાહત પાસે ખોડીયારનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૭૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભાઇ ગઢવી, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા તથા જીજ્ઞેશભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પ્રતાપસિંહ, ક્રિપાલસિંહ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે આજી વસાહતમાં ખોડીયારનગર શેરી નં. ૭ માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂ. ર૮૯૬૦ ની કિંમતની દારૂની ૭૦ બોટલ કબ્જે કરી હતી. તપાસ દરમ્યાન એકટીવાની ડેકીમાંથી રૂ. ૬૭૮પ૦ ની રોકડ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, બે એકટીવા અને રોકડ મળી રૂ. ૧,પ૬,૮૧૦નો મુદ્દામાલ કબ્જે કરી આજી ડેમ ચોકડી પાસે રામેશ્વર પાર્ક શેરી નં. ૧ માં રહેતા જીતેન્દ્ર ગોવિંદભાઇ ગઢાદરા અને ખોડીયારનગર-૭ ના હરેશ ટપુભાઇ બસીયાની શોધખોળ હાથ ધરી છે.