રાજકોટ
News of Thursday, 29th October 2020

વૈશાલીનગરમાં ડેરીના ગોડાઉનમાં ફાંસો ખાઇ કેયુરભાઇ દુદાણીનો આપઘાત

મોવૈયાના યુવાનના આપઘાતનું કારણ અકળઃ એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ર૯ : રૈયા રોડ પર વૈશાલીનગરમાં આવેલી ડેરી ચલાવતા ગોંડલના મોવૈયાના યુવાને ગોડાઉનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના મોવૈયા ગામના વતની હાલ રાજકોટ સાધુવાસવાણી રોડ પર યોગેશ્વર પાર્કમાં પત્ની સાથે ભાડે રહેતા કેયુરભાઇ હેમંતભાઇ દુદાણી (ઉ.ર૮) એ ગઇકાલે રૈયા રોડ પર વૈશાલીનગર-રમાં આવેલી તેના ફુવાની ડેરીની પાછળ ગોડાઉનમાં લોખંડના ગડરમાં સાડીનો કટકો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો  તેના કૌટુંબીક કાકા તેને જમવા માટે બોલાવવા જતા કેયુરભાઇને લટકતી હાલતમાં જોઇ ૧૦૮ માં જાણ કરવામાં આવી હતી જાણ થતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્ય નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામા આવી હતી. જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ મેરામભાઇ હુંબલ તથા રાઇટર મહેશભાઇ કછોટે તપાસ હાથ ધરી હતી મૃતક કેયુરભાઇ યોગેશ્વર પાર્કમાં પત્ની સાથે ભાડે રહેતા હતા અને બે વર્ષથી વૈશાલીનગરમાં તેના ફુવાની ડેરી ચલાવતા હતા તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:44 pm IST)