રાજકોટ
News of Thursday, 29th October 2020

ફટાકડા બજારમાં હજુ જો-તોની સ્થિતિ : એનઓસી માટે માત્ર છ અરજી

કોરોનાને કારણે આ વર્ષે ફટાકડા વેચવામાં નિરસતા : ગયા વર્ષે ૧૧ર અરજીઓ ફાયર બ્રીગેડને મળી હતી

રાજકોટ, તા., ૨૮: આ વર્ષે કોરોનાને કારણે દરેક તહેવારોમાં વેપારીઓને માઠી અસર પહોંચી રહી છે. આજ પ્રકારે દિવાળીનાં તહેવારોમાં પણ ફટકડાનાં વેચાણ ઉપર માઠી અસર પહોંચવાનો ભય વેપારીઓને સતાવી રહયો છે. અને તેના કારણે ફટાકડાના વેપારીઓમાં દર વર્ષ કરતા થોડી નીરસતાં જોવા મળી રહી છે.

કેમ કે દિવાળીને હવે માત્ર ૧પ થી ૧૭ દિવસ બાકી છે. છતા ફાયર બ્રિગેડનું એનઓસી મેળવવા આજ દિન સુધીમાં માત્ર છ જ અરજીઓ થઇ છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ  શહેરમાં ફટાકડાનૉ વેચાણ માટે ફાયર બ્રિગેડનું એનઓસી મેળવવુ ફરજીયાત છે.  ત્યારે આ વખતે ફાયર બ્રીગેડનું એઓસી મેળવવા આજ સુધીમાં માત્ર છ જેટલી અરજીઓ જ થઇ છે.

આ અરજીઓ પણ જે વેપારીઓ સીઝન સ્ટોર્સ ધરાવે છે તેવા મોટા હોલસેલર કે સદર બજાર વિસ્તારમાં કાયમી ધોરણે ફટાકડા વેચતા વેપારીઓ દ્વારા જ થયાનું જાણવા મળે છે. અન્ય વિસ્તારોમાં જેમ દર વર્ષે ફટાકડાનું વેચાણ માટે એનઓસીની અરજીઓ થતી હોય છે તે પ્રકારે હજુ સુધી અરજી મળતી નથી.

ગત વર્ષે ફાયર બ્રીગેડે કુલ ૧૧ર વેપારીઓને ફટાકડા વેચવા માટે એનઓસી આપ્યું હતું.

આમ આ વર્ષે વેપારીઓ હજુ ફટાકડા વેચવા બાબતે જો -તોની સ્થિતિમાં છે.

હવે બાકીના ૧પ દિવસમાં કેટલા વેપારીઓ ફાયર બ્રિગેડનું એનઓસી મેળવવા અરજી કરે છે તે જોવાનું રહયું.

અત્રે નોંધનીય છે કે દર વર્ષે દિવાળી દરમિયાન ફાયર બ્રીગેડ દ્વારા સદર બજાર, પરાબજાર, કાલાવડ રોડ, કોઠારીયા રોડ, મવડી વગેરે સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો પણ ઉભા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફટાકડા બજારમાં જ હાલ નિરૂત્સાહી વાતાવરણ જોવા મળી રહયું છે.

(2:56 pm IST)