રાજકોટ
News of Thursday, 29th September 2022

ખોખડદળ પાસે શિવધારામાં વિશાલ રાઠોડને માથામાં ધોકો ફટકારી હત્યાનો પ્રયાસઃ અન્ય ત્રણને ઇજા

બે વર્ષ પહેલા નાની બહેનને હેરાન કરતો હોઇ ઠપકો આપ્યો હોવાથી ખાર રાખ્યો : આકાશ બગથરીયાએ પહેલા ગાળાગાળી કરી, પછી તેના ભાઇ પ્રેમે ફોન કરીને સમાધાનની વાત કરવા ઘરે બોલાવ્યાઃ ત્યારબાદ આકાશ-પ્રેમ અને તેના પિતા તૂટી પડ્યાઃ આરોપી હાથવેંતમાં : માથામાં ગંભીર ઇજા થતાં રબારી યુવાન સારવાર હેઠળઃ વચ્ચે પડેલા મોટા બા, ભાઇ અને મિત્રને પણ ઇજા

રાજકોટ તા. ૨૯: કોઠારીયા ખોખડદળના પુલ પાસે શિવધારા પાર્કમાં રહેતાં રિક્ષાચાલક રબારી યુવાન અને તેના ભાઇ સાથે તેના જ પડોશમાં રહેતાં વાળંદ શખ્સે બે વર્ષ જુના મનદુઃખને લીધે ગાળાગાળી કરી ઝઘડો કર્યા બાદ આ શખ્સના નાના ભાઇએ સમાધાનની વાત કરવા ઘરે બોલાવતાં રબારી યુવાન તેના નાના ભાઇ, મોટા બા અને મિત્રને સાથે લઇ વાળંદ યુવાનના ઘરે જતાં તેના પર ધોકાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવતાં સારવાર હેઠળ છે. છોડાવવા વચ્ચે પડેલા તેના મોટા બા, ભાઇ અને મિત્રને પણ મારકુટ થઇ હતી. આ યુવાનની બહેનને બે વર્ષ પહેલા વાળંદ યુવાન હેરાન કરતો હોઇ જે તે વખતે ઠપકો આપ્યો હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો.

આ બનાવમાં પોલીસે કોઠારીયા ખોખડદળના પુલ પાસે વેલનાથ સોસાયટી પાસે શિવધારા પાર્ક-૨માં રહેતાં અને છકડો રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં વિશાલ તેજાભાઇ રાઠોડ (રબારી) (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી તેના જ વિસ્તારમાં રહેતાં આકાશ બગથરીયા, તેના પિતા અને તેના ભાઇ વિરૃધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૩૨૬, ૩૦૭, ૧૧૪, ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

વિશાલ રાઠોડે જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને રિક્ષાના ફેરા કરુ છું. અમારા ઘરની પાછળ જ આકાશ બગથરીયા તેના પરિવાર સાથે રહે છે. બે વર્ષ પહેલા મારી નાની બહેને આકાશ હેરાન પરેશાન કરતો હોઇ જેથી તેને સમજાવતાં તેણે ઝઘડો કર્યો હતો. બુધવારે હું, મારો નાનો ભાઇ મયુર અને મિત્ર રામલો એમ ત્રણેય જણા મારા હોન્ડામાં બેસીને ઘર તરફ જતાં હતાં ત્યારે ખોખડદળના પુલ પાસે આકાશ બગથરીયા સામે મળી ગયો હતો.

અગાઉનું બે વર્ષ જુનુ મનદુઃખ હજુ ચાલતું હોઇ આકાશે ખાર રાખી ગાળાગાળી કરી હતી અને મારા નાના ભાઇ મયુરને લાફો મારી દીધો હતો. એ પછી આકાશ જતો રહ્યો હતો અને ફરીથી મારા ભાઇ મયુરને આકાશના નાના ભાઇ પ્રેમ બગથરીયાએ ફોન કરી અમારા ઘર પાસે આવો આપણે સમાધાન કરી લેવું છે. તેમ કહેતાં હું અને મારો ભાઇ મયુર તથા મિત્ર રામલો અને મારા કોૈટુંબી મોટાબા લાભુબેન  આકાશના ઘરે ગયા હતાં. આ વખતે આકાશના બાપુજી અને તેના ભાઇ પ્રેમે મારા હાથ પકડી લીધા હતાં. ત્યાં આકાશ ઘરમાથી ધોકો લઇને દોડ્યો હતો અને મારા માથામાં ઘા ઝીંકી દીધો હતો.

મને લોહી નીકળવા માંડતાં મને છોડાવવા મારો ભાઇ અને મિત્ર તથા મોટા બા વચ્ચે પડતાં આ ત્રણેયને પણ આકાશ સહિતના ત્રણેયએ માર માર્યો હતો. મને માથામાં ગંભીર ઇજા થઇ હોઇ બાઇકમાં બેસાડી સાઇબાબા સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આકાશ અને તેના બાપુજી તથા ભાઇએ મને મારી નાંખવાના ઇરાદે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ જે. કે. ગઢવી અને સ્ટાફે ગુનો નોંધી ત્રણ શખ્સોની પુછતાછ હાથ ધરી છે. આરોપીઓ હાથવેંતમાં હોવાનું જણાવાયું છે.

(3:50 pm IST)