રાજકોટ
News of Saturday, 29th January 2022

બજેટમાં વેરો ન વધારો : ૧ વર્ષનો પ્રોફેશ્‍નલ ટેક્ષ માફ કરો : ભાનુબેન સોરાણી

મિલ્‍કત વેરામાં વ્‍યાજ માફી આપવા તથા એડવાન્‍સ ટેક્ષ ભરનારને વધુ વળતર આપવા પણ માંગ કરી : વિપક્ષી નેતાની મેયર, સ્‍ટે.ચેરમેન, મ્‍યુ. કમિશનરને લોકહિતમાં બજેટ આપવા પત્ર દ્વારા રજૂઆત

રાજકોટ તા. ૨૯ : વિપક્ષી નેતા આવતા અઠવાડિયે રજુ થનાર મ્‍યુનિ. કોર્પોરેશનના બજેટ અનુસંધાને મેયર, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન તથા મ્‍યુ. કમિશનરને પત્ર લખી વેરામાં વધારો ન કરવા, વ્‍યવસાયિક વેરો એક વર્ષનો માફ કરવા, મિલ્‍કત વેરામાં વ્‍યાજ માફી સહિતના મુદ્દે લોકહિતાર્થે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી છે.
આ અંગે ભાનુબેને પત્રમાં જણાવ્‍યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારીમાં રાજકોટના અનેક લોકોએ જીવ ગુમાવ્‍યો છે, તેમજ કોરોના કાળને બે વર્ષ થઇ રહ્યા છે હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે, જયારે બીજી લહેરમાં સૌથી વધુ લોકોના મોત થયા છે, ત્‍યારે ત્રીજી લહેરમાં ઘરે ઘરે કોરોનાના કેસ છે. નાના ગરીબ અને મધ્‍યમવર્ગીય પરિવારોની સ્‍થિતિ કથળી છે. તેમજ, સરકારે સ્‍કુલ ફીમાં વધારો મંજુર કર્યો છે, નાના વેપારીઓ, ધંધાર્થીઓ અને વ્‍યવસાયિકો છેલ્લા બે વર્ષથી બેહાલ છે ત્‍યારે પ્રજા આર્થિક બોજા, બેરોજગારી, મોંધવારી, બેંકલોનના હપ્તા, બાળકોની વધતી શાળા ફી, સહિતના પ્રશ્ને નાના-ગરીબ અને મધ્‍યમવર્ગીય પરિવારો ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં કોઈપણ જાતનો વેરામાં વધારો નહી સૂચવવા રજૂઆત કરીએ છીએ. ઉપરાંત એક વર્ષનો પ્રોફેશનલ ટેક્‍સ માફ કરવા  શહેરની રહેણાંક મિલકતના વેરામાં વ્‍યાજ માફી આપવા તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ના કોરોના કાળમાં એડવાન્‍સ વેરો ભરનાર નિયમિત કરદાતાઓને વેરામાં જે ૧૦% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવતું હતું તેવા નિયમિત કરદાતાઓને ૨૦% ડિસ્‍કાઉન્‍ટ આપવા ᅠઅને જે નિયમિત કરદાતાઓને ૧૫% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવતું હતું તેવા નિયમિત કરદાતાઓને ૩૦% ડિસ્‍કાઉન્‍ટ આપવા પણ માંગ કરી છે.
 ગેરેજ, હેર ડ્રેસર, રીપેરીંગ કામ કરતા હોય, રીક્ષા ચાલકો, ટ્રક ચાલકો, કલરકામ, કડિયાકામ, મજુરી કામ, કાર ડ્રાઈવરો, રેકડીમાં ધંધો કરતા ધંધાર્થીઓ, સહિતના નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને વ્‍યવસાયિકોને એક વર્ષનો મિલકત વેરા માફ કરવા અંગે માંગ કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકાની બી.આર.ટી.એસ. અને સીટી બસ સેવાનો મહિલાઓ અને સીનીયર સિટીઝન્‍સ તથા મહાનગરપાલિકાની શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ કોરોનામાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા આ વિદ્યાર્થીઓ ૧૮ વર્ષના થાય ત્‍યાં સુધી બસ સેવાનો વિનામૂલ્‍યે લાભ આપવા અંગે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં જોગવાઈ કરવા લોકોના હિતમાં ભાનુબેને મનપા તંત્ર સમક્ષ માંગ કરી છે.

 

(4:10 pm IST)