મોટર કાઢવા કૂવામાં ઉતરેલા મંગાભાઇના પગ ઝાડના મુળીયામાં ફસાઇ જતાં ડૂબી જવાથી મોત
હડમતીયા ગોલીડામાં નરસીભાઇ વાડોદરીયાની વાડીમાં બનાવઃ મુળ મધ્યપ્રદેશના આધેડે રાજકોટમાં દમ તોડ્યોઃ
રાજકોટ તા. ૨૯: રાજકોટના હડમતીયા ગોલીડા ગામે પ્રવિણભાઇ હેરભાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના મંગાભાઇ ભીમાભાઇ ભુરા (ઉ.વ.૪૫) નામન આધેડ બાજુની નરસીભાઇ મીઠાભાઇ વાડોદરીયાની વાડીમાં કૂવામાં ડૂબી ગયેલી પાણીની મોટર કાઢવા જતાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.જાણવા મળ્યા મુજબ નરસીભાઇની વાડીના કૂવામાં મોટર ડૂબી ગઇ હોઇ મંગાભાઇ મોટર કાવડવા કૂવામાં ઉતર્યા હતાં. પરંતુ અંદર ઝાડવાના મુળીયા હોઇ તેમાં પગ ફસાઇ જતાં બહાર નીકળી શકયા નહોતાં. ત્યાં હાજર લોકોને તરતા આવડતું ન હોઇ રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરતાં મંગાભાઇને બેભાન હાલતમાં બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનારને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. મૃતદેહને અંતિમવિધી માટે મધ્યપ્રદેશ વતન લઇ જવાયો હતો.