રાજકોટ
News of Friday, 19th January 2018

લોધીકામાં સંતોષ મહેતા અને પત્નિ દિવ્યા પર છરીથી હુમલોઃ ઘરમાં આગ લગાડાઇ

થોડા દિવસો પહેલા ભાડાનું મકાન શોધવા આવેલા કાળુ ભાદરકાએ ઘરે એકલી પરિણીતા દિવ્યા સાથે મકાન બાબતે વાત કરી હતીઃ બાદમાં દારૂ પી છેડતીના ઇરાદે આવ્યો'તોઃ પતિ સંતોષે ઠપકો દીધો હોઇ ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૯: લોધીકામાં રહેતાં બ્રાહ્મણ યુવાન અને તેની પત્નિ પર ત્રણ શખ્સોએ હુમલો કરી માર મારતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હુમલાખોરોએ ઘરમાં આગ પણ લગાડી દીધાનું જણાવાયું હતું. ભાડાનું મકાન શોધવાના બહાને પરિણીતાની છેડતી કરવા આવેલા આ શખ્સને ઠપકો અપાયો હોઇ તેનો ખાર રાખી ડખ્ખો કર્યાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ લોધીકામાં સનરાઇઝ સોસાયટીમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં મુળ પોરબંદરના સંતોષ મુળશંકરભાઇ મહેતા (ઉ.૨૩)ને રાત્રે અઢી વાગ્યે દરવાજો ખખડાવી ઘરમાં ઘુસી રાજકોટ હુડકો કવાર્ટરના કાળુ રામજીભાઇ ભાદરકા અને સાથેના બે અજાણ્યા શખ્સોએ ઢીકા-પાટુનો માર મારી છરીથી હુમલો કરી પેટ, છાતીમાં ઇજા કરતાં દેકારો થતાં તેની પત્નિ દિવ્યા સંતોષ મહેતા (ઉ.૨૦) બચાવવા દોડી આવતાં તેને પણ ઇજા કરવામાં આવતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

દિવ્યાના કહેવા મુજબ તેણે બે વર્ષ પહેલા સંતોષ મહેતા સાથે લવમેરેજ કર્યા છે. હાલમાં લોધીકા ખાતે રહે છે. થોડા દિવસ પહેલા એક શખ્સ ઘર પાસે આવ્યો હતો અને પોતાનું નામ કાળુ ભાદરકા હોવાનું કહી  આ વિસ્તારમાં ભાડે મકાન હોય તો બતાવવાનું કહ્યું હતું. આથી પોતે પતિ હોય ત્યારે આવવાનું કહ્યું હતું. બાદમાં  બે-ત્રણ દિવસ પછી આ શખ્સ ફરીથી આવ્યો હતો અને મકાનનું પુછ્યું હતું. આથી પોતે પણ આ વિસ્તારમાં નવા હોઇ ખબર નથી, પતિ આવશે તો પુછી જોશે તેમ કહ્યું હતું. એ પછી તે દારૂ પીને આવ્યો હતો અને મકાન તો બતાવવું જ પડશે તેમ કહી નજર બગાડતાં પતિ સંતોષે તેને ઠપકો આપ્યો હોઇ  તેનો ખાર રાખી તે ગત રાત્રે ઘરે આવ્યો હતો અને હુમલો કર્યો હતો. તેની સાથેના અજાણ્યા શખ્સે ઘરમાં આગ પણ લગાડી દેતાં પરદા સહિતની ચીજવસ્તુઓ બળી ગઇ હતી. લોધીકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(10:47 am IST)