રાજકોટ
News of Monday, 28th November 2022

તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી!

શૈલેષ ઝાપડાની પત્‍નિને અગાઉ ગોૈતમ ગોહેલ ભગાડી ગયો હતો અને બંને પરત આવી ગયા બાદ સમાધાન પણ થઇ ગયું હતું: આ ઘટનાનો ખાર રાખી શૈલેષે પોતાના ભાઇ સાગર તથા ભાઇ સાગરની પ્રેમિકા કુવાડવાની મધુ ગોહેલનો સાથ લઇ પૂર્વયોજીત કાવત્રાને અંજામ આપ્‍યો : ૪મીએ દલિત યુવાન ગોૈતમ ગોહેલ (ઉ.વ.૨૩) રાજકોટ કામ છે તેમ ઘરે જણાવી મિત્રનું બાઇક લઇને નીકળ્‍યા બાદ ગૂમ હતોઃ શોધખોળ બાદ પરિવારજનોએ ગૂમ થયાની જાણ કરી હતીઃ લાશ મળવાની સાથે સનસનાટીભરી મર્ડર મિસ્‍ટ્રી સામે આવીઃ આરોપીઓ સકંજામાં : સાગરની પ્રેમિકા મધુએ ફોન કરી ગોૈતમને ગવરીદળની વીડીમાં મળવા બોલવ્‍યોઃ ત્‍યાં શૈલેષ અને સાગર અગાઉથી જ હાજર હોઇ બંનેએ હત્‍યા કરી નાંખીઃ એ પછી લાશ તરઘડી લાવી દાટી દેવાઇ હતી

હત્‍યા કરી દાટી દેવામાં આવેલો મૃતદેહ પોલીસે બહાર કઢાવી રાજકોટ પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયોઃ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો

હત્‍યાનો ભોગ બનનાર ગોૈતમ જેન્‍તીભાઇ ગોહેલ બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા અપરિણીત હતો. તેના પિતા જેન્‍તીભાઇ ગેલાભાઇ ગોહેલ છુટક મજૂરી કરે છે. માતાનું નામ મુક્‍તાબેન છે. ગોૈતમ પોતે પણ છુટક કામ કરતો હતો. તેના કાકા પ્રફુલભાઇ ભીખાભાઇ ગોહેલે જણાવ્‍યું હતું કે ગોૈતમ બાર તેર દિવસ પહેલા ઘરેથી રાજકોટ કામ માટે જવાનું કહીને તેના મિત્રનું બાઇક લઇને નીકળ્‍યો હતો. એ પછી તે ગૂમ થઇ ગયો હતો. શોધખોળ કર્યા બાદ અમે પડધરી પોલીસને જાણ કરી હતી. ગઇકાલે પડધરી પોલીસે ગોૈતમનો મૃતદેહ તરઘડીના ભરવાડવાસમાં ઘેંટા બકરા બાંધે છે એ વાડામાં દાટી દેવાયો હોઇ તેમાંથી બહાર કાઢી અમને જાણ કરી હતી અને રાજકોટ પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. તસ્‍વીરમાં જેની હત્‍યા થઇ તે ગોૈતમ અને તેના પરિવારના સભ્‍યો જોઇ શકાય છે. (૧૪.૯)

રાજકોટ તા. ૨૮: પડધરીના તરઘડી ગામે રહેતો ૨૩ વર્ષનો દલિત યુવાન ૧૪ દિવસ પહેલા ભેદી રીતે ગૂમ થઇ ગયો હતો. પડધરી પોલીસે તપાસ હાથ ધરતાં ગોૈતમનો પત્તો મળવા સાથે ચોંકાવનારી સનસનાટીભરી મર્ડર મિસ્‍ટ્રી પણ ખુલી હતી. હત્‍યાનો ભોગ બનનાર યુવાન પારકી પરણેતર એટલે કે ગામની ભરવાડ પરિણીતાના પ્રેમમાં પાગલ બન્‍યો હોઇ અને બે વર્ષ પહેલા તેણીને ભગાડી ગયો હોઇ પછી બંને પરત આવી ગયા બાદ અને સમાધાન થઇ ગયા બાદ પણ ભરવાડ યુવાનને ખાર હોઇ કાવત્રુ ઘડી પોતાના ભાઇ અને ભાઇની પ્રેમિકાની મદદ લઇ ગવરીદળ મળવા માટે બોલાવ્‍યા બાદ ૧૪મીએ જ તેની પાઇપના ઘા ફટકારી હત્‍યા કર્યા બાદ લાશને તરઘડી લાવી ભરવાડ યુવાનના ઘેટા બકરા બાંધવાના વાડામાં ખાડો ખોદી દાટી દીધાની વિગતો ખુલતાં ચકચાર મચી ગઇ છે.

 પડધરી પોલીસે ભેદ ઉકેલી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. હત્‍યા કરી દાટી દેવામાં આવેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. આ બનાવને પગલે ગામમાં ચકચાર મચી ગઇ છે અને કોઇ અનઇચ્‍છનીય બનાવ ન બને તે માટે ગામમાં બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

ચકચાર મચાવતી આ ઘટનાની વિગતો જોઇએ તો તરઘડી ગામમાં રહેતો અને છુટક મજૂરી કરતો ગોૈતમ જેન્‍તીભાઇ ગેલાભાઇ ગોહેલ (દલિત) (ઉ.વ.૨૩) ગત તા. ૧૪/૧૧ના રોજ પોતે રાજકોટ કામ માટે જઇ રહ્યો છે તેમ કહીને પોતાના મિત્રનું બાઇક લઇને નીકળ્‍યા પછી ગૂમ થઇ ગયો હતો. પરિવારજનો તેનો સતત સંપર્ક કરતાં હતાં પરંતુ કોન્‍ટેક્‍ટ થઇ શકતો નહોતો અને ફોન સતત બંધ આવતો હતો. એ પછી પરિવારજનોએ પડધરી પોલીસ સ્‍ટેશને પહોંચી ગોૈતમ ગૂમ થઇ ગયાની પોલીસને જાણ કરી હતી.

પડધરી પોલીસે બનાવને ગંભીરતાથી લઇ તુરત જ ગૂમ થયાની નોંધ અંગે તપાસ આરંભી હતી. આ તપાસનો દોર જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ પોલીસ સામે ચોંકવનારી વિગતો સામે આવતી ગઇ હતી અને છેલ્લે ગઇકાલે ગૂમ થયેલા ગોૈતમનો દાટી દેવાયેલો મૃતદેહ તરઘડીના જ ભરવાડ શખ્‍સ શૈલેષ લક્ષમણભાઇ ઝાપડા તથા સાગર લક્ષમણભાઇ ઝાપડાના ઘેંટા-બકરા બાંધવાના વાડામાંથી મળી આવ્‍યો હતો. જેની હત્‍યા આ બંને ભરવાડ ભાઇઓએ ગવરીદડ પાસે પાઇપના ઘા ફટકારીને ૧૪મીએ કર્યા બાદ એ લાશને તરઘડી લાવી પોતાના વાડામાં ખાટો કરીને દાટી દીધી હોવાનું ખુલતાં ચકચાર મચી ગઇ હતી.

પડધરી પોલીસે જેસીબીની મદદ લઇ દાટી દેવાયલો મૃતદેહ શોધી કાઢયો હતો. શૈલેષ અને તેના ભાઇ સાગર તથા તથા  કુવાડવા રહેતી સાગરની પ્રેમિકા મધુ હેમાભાઇ ગોહેલે મળી કાવતરુ ઘડી હત્‍યાને અંજામ આપ્‍યાની વિગતો સામે આવતાં પીએસઆઇ એમ. એચ. યાદવ, જીતેન્‍દ્રસિંહ સહિતની ટીમે હત્‍યાનો ભોગ બનેલા ગોૈતમના પિતા જેન્‍તીભાઇ ગેલાભાઇ-ઘેલાભાઇ ગોહેલની ફરિયાદ પરથી તરઘડીના શૈલેષ લક્ષમણભાઇ ઝાપડા-ભરવાડ, તેના ભાઇ સાગર લક્ષમણભાઇ ઝાપડા અને કુવાડવા રહેતી સાગરની પ્રેમિકા મધુ હેમાભાઇ ગોહેલ સામે આઇપીસી ૩૦૨, ૨૦૧, ૧૨૦ (બી), એટ્રોસીટી, ૩૨૫, ૧૩૫ મુજબ પુર્વયોજીત કાવત્રુ ઘડી હત્‍યા કરી પુરાવાનો નાશ કરવા લાશ દાટી દીધાનો ગુનો નોંધી મહિલા આરોપીને સકંજામાં લઇ બે મુખ્‍ય સુત્રધાર શૈલેષ અને તેના ભાઇ સાગર ભરવાડની શોધખોળ હાથ ધરી છે.

વિગતો એવી છે કે હત્‍યાનો ભોગ બનેલા ગોૈતમ ગોહેલને ગામના જ શૈલેષ ઝાપડા-ભરવાડની પત્‍નિ સાથે પ્રેમ થઇ ગઇ હોઇ તે બે વર્ષ પહેલા ૨૦૨૦માં શૈલેષની ઘરવાળીને ભગાડી ગયો હતો. એ પછી બંને પરત આવી ગયા હતાં અને ઘરમેળે સમાધાન થઇ ગયું હતું. પરંતુ ત્‍યારથી શૈલેષની આંખમાં ગોૈતમ ખટકતો હતો. તેણે આ બાબતનો ખાર રાખી પોતાના ભાઇ સાગરની પ્રેમિકા મધુ કે જે કુવાડવા રહે છે તેની મદદ લીધી હતી. તેણીએ ગોૈતમને ફોન પર સંપર્ક કરી પોતાની જાળમાં ફસાવ્‍યો હતો અને બાદમાં રૂબરૂ મળવા આવવા માટે મનાવી લીધો હતો.

કાવત્રાના ભાગ રૂપે મધુએ ગત ૧૪મીએ ગોૈતમને ફોન કરી ગવરીદળની વીડીમાં મળવા માટે આવવાનું કહ્યું હતું. જ્‍યાં મધુનો પ્રેમી સાગર ઝાપડા અને સાગરનો ભાઇ શૈલેષ ઝાપડા પહેલેથી જ પહોંચી ગયા હતાં. ગોૈતમ ૧૪મીએ તરઘડીથી મિત્રનું બાઇક લઇને મધુને મળવા ગવરીદડ વીડીમાં પહોંચ્‍યો હતો. જ્‍યાં તેને શૈલેષ અને તેના ભાઇ સાગરે પાઇપના ઘા ફટકારી પતાવી દીધો હતો. એ પછી કોઇપણ વાહન મારફત લાશને આ બંને ભાઇઓ તરઘડી લાવ્‍યા હતાં અને રાત્રીના સમયે પોતાના જ ઘરના ઘેટા બકરાના વાડામાં ખાડો ખોદી દાટી દીધી હતી.

આ ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઇ છે. લાશને ગઇકાલે બહાર કાઢવામાં આવી ત્‍યારે ટોળેટોળા ઉમટી પડતાં ગામમાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવવો પડયો હતો. મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવી પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(12:16 pm IST)