રાજકોટ
News of Wednesday, 28th September 2022

બંધારણમાં મૂળભૂત અધિકારોમાં જ લઘુમતિઓના અધિકારી સમાવિષ્‍ટ છેઃ રાષ્‍ટ્રીય પંચ રાજકોટમાં

નવી શિક્ષણ નીતિ અંગે કલેકટર કચેરી ખાતે શૈક્ષણિક સંસ્‍થાઓ સામે પરામર્શ

રાજકોટ, તા.૨૮: લઘુમતિ શૈક્ષણિક સંસ્‍થાઓના રાષ્ટ્રીય પંચના ચેરમેન જસ્‍ટિસ શ્રી નરેન્‍દ્ર જૈને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસના ભાગરૂપે વિવિધ લઘુમતી શૈક્ષણિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

રાજકોટ જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ પંચના ચેરમેનશ્રી તેમજ સચિવશ્રીને પુષ્‍પગુચ્‍છ આપી આવકાર્યા હતા. ચેરમેન શ્રી જૈને દેશમાં લઘુમતિ દરજ્જાની ભૂમિકા સ્‍પષ્ટ કરતા જણાવ્‍યું હતું કે, બંધારણમાં મૂળભૂત અધિકારોમાં જ લઘુમતીઓના અધિકારો સમાવિષ્ટ છે, જેને કોઈ છીનવી શકતું નથી. લઘુમતી સમુદાયના ઉત્‍થાન માટે લેવાયેલા પગલાંઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે,  કેન્‍દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી વિકાસ આર્થિક નિગમની રચના કરીને રૂપિયા ૩૦૦૦ કરોડની ફાળવણી કરી છે. એમ.એસ.એમ.ઈ.માં પણ લઘુમતી માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. ઙ્કપઢો પરદેશઙ્ઘ, ઙ્કશીખો ઔર કમાઓઙ્ઘજેવી યોજનાઓનો લાભ લેવા તેમણે ઉપસ્‍થિત લઘુમતી શૈક્ષણિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું.

નવી શૈક્ષણિક નીતિ ૨૦૨૦ અંગે જસ્‍ટિસ જૈને વિવિધ સંસ્‍થાઓ પાસેથી અભિપ્રાયો જાણ્‍યા હતા. અને ઉમેર્યું હતું કે, એન.ઈ.પી.માં શૈક્ષણિક સંસ્‍થાઓને ગુણવત્તા મુજબના માપદંડ પ્રમાણે ફી માળખું નક્કી કરાશે. જેના મોનિટરીંગ માટે કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને એક કમિટીની રચના કરવામાં આવશે.

આ બેઠકમાં રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા, વિવિધ શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

(12:11 pm IST)