રાજકોટ
News of Saturday, 28th January 2023

ડૉ. શોભા મિશ્રાનો તેમના ઘરમાંથી મૃતદેહ મળતાં તંત્ર દોડતું થયું

રાજકોટ મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડાનાં મોતનું ઘૂંટાતુ રહસ્ય : પ્રાથમિક રીતે તેમનું હૃદય રોગના હૂમલાને કારણે અવસાન થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે, પરંતુ સાચું કારણ તેમનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે

રાજકોટ, તા.૨૮ : રાજકોટ મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડા ડો, શોભા મિશ્રાનો ઘરમાંથી મૃતદેહ મળી આવતાં તંત્ર દોડતું થયું છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પ્રાથમિક રીતે તેમનું હૃદય રોગના હૂમલાને કારણે અવસાન થયુ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પરંતુ સાચુ કારણ તેમનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડા ડો. શોભા મિશ્રાને તેમની ગોધરા રહેતી દીકરીએ અનેક ફોન કર્યાં હતાં પરતુ તેમણે ફોન રીસીવ કર્યો નહોતો. ત્યાર બાદ તેમની દીકરીએ પાડોશીને ફોન કર્યો હતો. જ્યારે પાડોશી તેમના ઘરે પહોંચ્યા તો દરવાજો બંધ હતો. આ દરમિયાન કંઈક અજૂગતુ થયાની જાણ થતાં તેમણે આસપાસના પાડોશીઓને પણ બોલાવી દીધા હતા. બીજી બાજુ મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં તાત્કાલિક રીતે દોડી આવ્યો હતો.

દરવાજો બંધ હોવાથી તેને તોડવામાં આવ્યો હતો અને અંદર ડો. શોભા મિશ્રા તેમના બેડ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતાં. કોલેજના સ્ટાફ દ્વારા પમ્પિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. આ બાબતની જાણ પ્રદ્યુમ્નનગર પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. પોલીસે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમના મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

 

(7:34 pm IST)