રાજકોટ
News of Friday, 27th November 2020

પતિને ઘરજમાઇ તરીકે રાખવા માટે ઝઘડા કરતી પૂજાએ સાસુને સોડામાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવ્યાનો આક્ષેપ

આજીડેમ ચોકડી પાસે માધવવાટીકામાં બનાવઃ પૂજાના પતિ રાજુભાઇનો આક્ષેપ-પત્નિ મને સતત ઘરજમાઇ તરીકે અમદાવાદ રહેવા દબાણ કરતી હતીઃ ઘરમાંથી ઘરેણા લઇ ભાગી ગઇ

રાજકોટ તા. ૨૭: આજીડેમ ચોકડી પાસે માધવ વાટીકા-૩માં રહેતાં વિદ્યાબેન  રામકુમાર રાજપૂત (ઉ.વ.૪૫)ને ઝેરી અસર સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમણે પોતાને પુત્રવધૂ પૂજાએ સોડામાં ઝેરી પદાર્થ ભેળવીને પાઇ દીધાનો આક્ષેપ કરતાં આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે.

વિદ્યાબેનના પુત્ર રાજુભાઇએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે મારી પત્નિ પૂજાના માવતર અમદાવાદ રહે છે. મારે સંતાનમાં અગિયાર માસનો પુત્ર છે. પૂજા મને સતત અમદાવાદ તેના માવતરની સાથે ઘરજમાઇ તરીકે રહેવા સાથે આવવા દબાણ કરતી હતી. પણ હું મારા માતાને છોડીને ત્યાં જવા ઇચ્છતો નહોતો. ગઇકાલે હું કામે ગયો હતો ત્યારે મારા માતા વિદ્યાબેનને મારી પત્નિ પૂજાએ બહારથી સોડા-ઠંડુપીણુ લાવી તેમાં કંઇક ઝેરી પાવડર જેવું ભેળવીને પીવડાવી દીધું હતું. એ પછી તે ઘરમાથી જતી રહી હતી.

મને માતાએ જાણ કરતાં મેં ઘરે પહોંચી તેમને હોસ્પિટલે ખસેડ્યા હતાં. રાજુભાઇએ આક્ષેપ કર્યો છે કે પત્નિ ઘરમાંથી રોકડ-દાગીના પણ લેતી ગઇ છે.  આક્ષેપો અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. પૂજાબેન મળ્યા બાદ સાચી વિગતો બહાર આવશે.

(3:33 pm IST)