રાજકોટ
News of Tuesday, 27th September 2022

પ્રમુખમાર્ગઃ મિલનની કળા

પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

રોબર્ટ કિયોસ્‍કીનું પુસ્‍તક છે ‘રીચ ડેડી પુઅર ડેડી' આ પુસ્‍તકમાં લેખક જણાવે છે કે ‘રીચ ડેડી' પૈસાદાર વાલીઓ પોતાના સંતાનોને જુદા જુદા સાધનો, રમકડાં વગેરે પૈસાથી ખરીદીને આપી દે છે અને તેથી સંતોષ માને છે કે મેં મારા સંતાનની બરાબર સંભાળ લીધી છે. પણ તેઓ ભૂલી જાય છે કે સંતાનોને સાધનોની નહીં તમારા પ્રેમની, હૂંફની મુખ્‍ય જરૂર છે તેને સમય આપી મળવાની મુખ્‍ય જરૂર છે. ‘પુઅર ડેડી' ગરીબ વાલીઓ સંતાનોને સાધન સામગ્રી લાવી આપવામાં નોકરી, ધંધો વગેરે દ્વારા પૈસા કમાવવામાં એટલો સમય આપે છે કે તેઓ પોતાના સંતાનને સમય આપીને મળવાની, પ્રેમ અને હૂંફ આપવાની મુખ્‍ય જરૂરિયાતને ભૂલી જાય છે. લેખકનું કહેવું એમ છે કે, પૈસાદાર વાલી હોય કે, ગરીબ વાલી હોય સૌએ પોતાના સંતાનોને સમય આપીને મળવું જોઈએ.

ઘરમાં શાંતિ ઇચ્‍છનારે સમય આપી ઘરના પ્રત્‍યેક સભ્‍યને મળતા રહેવું જોઈએ કેટલાકનો પ્રશ્ન છે ઘરના બધા સભ્‍યો ભેગા જ રહેતા હોય છે, તેમાં મળવાનું તો થાય જ ને ! તો પણ ઘરમાં શાંતિ કેમ થતી નથી ? ઘરમાં સૌ અરસપરસ મળે છે પણ લગભગ તેમાં ઊંડાણ નથી હોતું તેથી ઉપરછેલ્લા મિલન શાંતિ આપતા નથી. ગૃહશાંતિ માટે મળવાની એટલે કે મિલનની કળા શીખવી પડે છે.

અહંમમત્‍વથી પર થયેલા, ભગવાનમાં જ રમમાણ રહેતા પ્રમુખસ્‍વામી મહારાજ જેવા સંતો પાસેથી આ કળા સહેજે જ શીખાય છે.

પ્રમુખસ્‍વામી મહારાજ રોજના લગભગ ૪૦૦થી ૫૦૦ વ્‍યકિતને મળતા. સવાર, બપોર ને સાંજ તેઓ સૌને મળતા જ રહેતા. તેઓની ‘મિલન' ની મળવાની રીત ઉપરછેલ્લી નહીં પણ ઊંડાણભરી રહેતી. ઘણીવાર મળવા આવનાર વ્‍યકિતના પ્રશ્ન સામાન્‍ય કહી શકાય તેવા રહેતા પણ પ્રમુખસ્‍વામી મહારાજ તેમાં પણ ઊંડા ઊતરી જે તે વ્‍યક્‍તિને સંતોષકારક યથાર્થ ઉત્તર આપતા કારણ કે તેઓને મન દરેક વ્‍યક્‍તિ અગત્‍યની હતી. તેથી દરેકના પ્રશ્નો અગત્‍યના હતા.

સારંગપુરમાં પ્રમુખસ્‍વામી મહારાજ બિરાજમાન હતા. તે સમયે મુલાકાત દરમ્‍યાન ગામડાના એક સામાન્‍ય ખેડૂતે આવીને પૂછ્‍યું: ‘બાપા, મારે કૂવો ક્‍યાં કરવો?' પ્રમુખસ્‍વામી મહારાજે તેના ખેતરનો નકશો માંગ્‍યો. નોટબુકના લીટીવાળા કાગળ પર તે નકશો હાથથી ચીતરીને લાવેલા. પ્રમુખસ્‍વામી મહારાજે તેને જોતા ખેતરનો ઢાળ કઈ બાજુ છે? વગેરે પ્રશ્નો પૂછી તેને કૂવો કરવાની દિશા ચીંધી.

સામેની વ્‍યકિતમાં રસ લેવો, તેની વિગતોને શાંતિથી એકાગ્રતાથી સાંભળવી, તેને સમજીને ઉત્તર આપવો આ ‘મિલન'છે. આવું મિલન ઘરના સભ્‍યો સાથે કેટલા કરી શકતા હશે? આપણે ઘરના સભ્‍યોને મળીએ છીએ પણ તેની સામાન્‍ય જણાતી વાતમાં આ રીતે ધીરજ રાખી રસ લઈએ છીએ?

‘મિલન' એટલે જે તે વ્‍યક્‍તિના સ્‍વભાવ, રસ, રૂચિનો સંપૂર્ણ ખ્‍યાલ હોવો જોઈએ. એક કુટુંબના મોભી પિતા ગુજરી ગયા. મિલકતની વહેંચણી થઈ. સ્‍વાભાવિકપણે તેમના માતાનો ભાગ હોય જ. બંને દીકરાઓએ પોતાનો ભાગ લઈ લીધો. પણ બંને માતાને પોતાના દ્યરે રાખવા માટે આગ્રહ કરવા લાગ્‍યા આ આગ્રહ ઝદ્યડામાં પરિણમ્‍યો. છેવટે માતાને પૂછવામાં આવ્‍યું: ‘તમે કોની સાથે રહેવા માંગો છો?' ‘હું કયા રોગની, કઈ ત્રણ દવા લઉં છું તે જે પુત્ર જણાવી શકે તેની સાથે હું રહીશ.' માતાની આ શરત સામે બંને પુત્રો હારી ગયા કારણ કે બંનેમાંથી એક પણ પુત્રે માતાના અંગત જીવનમાં રસ લીધો નહોતો, તેમની મુશ્‍કેલીને જાણતા નહોતા. તેમના પ્રશ્નોને સમજવા પ્રયત્‍ન પણ નહોતો કર્યો. સાથે રાખવાનો આગ્રહ માતાની મિલ્‍કતનો ભાગ પોતાને મળે તે માટે હતો.

મળવું એટલે જે તે વ્‍યકિતના રસ, રૂચિ, સ્‍વભાવ, પ્રશ્નો વગેરેને યથાર્થ રીતે ઓળખવું. પ્રમુખસ્‍વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. જમતા સમયે તેઓ પાસે ગલકાંના ભજીયાં આવ્‍યા. તરત જ પ્રમુખસ્‍વામી મહારાજે વૃદ્ધ હરિભક્‍ત ભાઈકાકાને યાદ કર્યા. શ્નભાઈકાકાને ગલકાંના ભજીયાં ભાવે છે માટે તેમને તે આપો.

રોજના સેંકડો માણસોને મળતા પ્રમુખસ્‍વામી મહારાજ દરેકની રસ રુચિનો કેટલો ખ્‍યાલ રાખતા હશે ! પતિ-પત્‍નીના સંબંધોની વાત કરતા ‘રીડર્સ ડાઇજેસ્‍ટ' માસિકમાં પ્રશ્ન પૂછાયેલો કે, શ્નતમારી પત્‍નીને કયો રંગ ગમે છે? નાની અને સામાન્‍ય જણાતી આવી બાબતોથી દ્યણા પતિઓ અજાણ હોય છે. તેથી તેઓએ પ્રેમપૂર્વક આપેલી વસ્‍તુઓ પત્‍નીને સંતોષ નથી આપી શકતી. વ્‍યક્‍તિની રસરૂચિ મુજબ આપવામાં આવેલ તો જ તે સૌને ગમે છે. વ્‍યક્‍તિની રસરૂચિનો અભ્‍યાસ કરવો અને તે મુજબ વર્તવું તેનું નામ મિલન છે.

પ્રમુખસ્‍વામી મહારાજ નૈરોબી પધાર્યા હતા. ત્‍યાં સંતોએ નોંધ્‍યું કે હરિભક્‍તે તેઓને પગે લાગવા આવે ત્‍યારે સૌ માથું નીચું નમાવે છે અને તે સૌના મસ્‍તક પર પ્રમુખસ્‍વામી મહારાજ હસ્‍ત મૂકી આશીર્વાદ આપે છે. પણ એક હરિભક્‍ત કાયમ તેમાંથી બાકાત રહે છે તેઓ મસ્‍તક નમાવે છતાં કાયમ પ્રમુખસ્‍વામી મહારાજ તેના ખભા પર હસ્‍ત મૂકીને જ તેને આશીર્વાદ આપે છે. એક દિવસ જિજ્ઞાસાથી સંતોએ પ્રમુખસ્‍વામી મહારાજને આમ કરવાનું કારણ પૂછ્‍યું ત્‍યારે સ્‍પષ્ટતા કરતા તેમણે જણાવ્‍યું કે  ‘તે હરિભક્‍ત માથા પર વીગ પહેરે છે. આપણે માથા પર હાથ મૂકીએ ને તે વીગ ખસી જાય તો તેમનું લોકમાં સારૂં ન દેખાય, તેથી ખભા પર હાથ મૂકું છું.' આનું નામ મિલન કહેવાય. સામેની વ્‍યક્‍તિની મુશ્‍કેલી, રસ, રુચિ વગેરેનો સંપૂર્ણ ખ્‍યાલ રહે અને તેને અનુકૂળ થઈને વર્તી શકાય તે સાચું મિલન છે.

ઘરના સભ્‍યોને મળતા સમયે જે આ પ્રમુખમાર્ગે ચાલે છે તે કાયમ ગૃહશાંતિને અનુભવે છે.(૩૦.૧૩)

સાધુ નારાયણ મુનિદાસ

(4:51 pm IST)