રાજકોટ
News of Wednesday, 27th January 2021

કાલાવડ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા કરણે દમ તોડયો

રાત્રી કર્ફયુમાં પકડાઇ ન જાય તે માટે રોંગ સાઇડમાંથી કાર ભગાવી અકસ્માત સર્જયો હતો : દસ દિવસ પહેલા સ્ટર્લીંગ હોસ્પિટલના કર્મચારી કરણ પરમાર નોકરી પૂરી કરી ઘરે જતો'તો : માલવીયાનગર પોલીસે કાર ચાલક મોનીલ શાહની ધરપકડ થઇ હતી

રાજકોટ તા. ૨૭ : કાલાવડ રોડ પર સંકલ્પસિધ્ધ હનુમાનજીના મંદિર પાસે દસ દિવસ પહેલા રાત્રી કર્ફયુમાં પકડાઇ ન જાય તે માટે રોંગ સાઇડમાંથી કાર ચાલકે બાઇકને હડફેટે લઇ અકસ્માતના બનાવમાં બાઇક ચાલકનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામમાં રહેતા અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં નોકરી કરતા કરણ અનીલભાઇ પરમાર (ઉ.૨૭) ગત તા. ૧૭ના રોજ રાત્રે પોતાની નોકરી પૂરી કરી પોતાનું જીજે૩ડીએસ ૭૨૮૧ નંબરના બાઇક પર ઘરે જતો હતો ત્યારે કાલાવડ રોડ અંડરબ્રીજ પાસે સંકલ્પસિધ્ધ હનુમાનજીના મંદિર પાસે પહોંચતા રાત્રી કર્ફયુમાં પકડાઇ ન જાય તે માટે રોંગ સાઇડમાં આવેલી જીજે૩એચએ-૭૨૮૭ નંબરની કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર કરણ પરમાર ફંગોળાઇને પચાસેક ફૂટ ઢસડાતા તેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતને કારણે બાઇક અને કારમાં નુકસાન થયા હતા. અકસ્માત સર્જી કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. અને કરણ પરમારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાર ચાલક રૈયા રોડ નિર્મલા કોન્વેન્ટ રોડ તિરૂપતિનગર-૧માં રહેતા મોનીલ રાજેન્દ્રભાઇ શાહ (ઉ.૨૫)ને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. દરમિયાન ગઇકાલે અકસ્માતમાં ઘવાયેલા કરણ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. ગીતાબેન પંડયાએ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)