રાજકોટ
News of Thursday, 26th November 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક સમક્ષ સર્વોત્તમ પ્રદર્શન માટે સજ્જ

કુલપતિ પેથાણી અને આઈકયુએસી ડાયરેકટર ભીમાણીના નેતૃત્વમાં શૈક્ષણિક-બીનશૈક્ષણિક કર્મચારીઓનો ઉત્સાહથી ઉત્કૃષ્ઠ દેખાવ માટે તડામાર તૈયારીઓઃ કુલસચિવ-નિયામક સહિતની જગ્યા ખાલી અવરોધરૂપ

રાજકોટ, તા. ૨૬ :. અગાઉ ફોર સ્ટાર અને એ-ગ્રેડથી પ્રકાશીત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી નેક સમક્ષ પ્રદર્શન કરવા ઉત્સુક બની છે. છેલ્લા ૮ માસથી નેકમાં શ્રેષ્ઠ દેખાવ કરીને એ-પ્લસ પ્લસ ગ્રેડ મેળવવાના લક્ષ્યાંક સાથે કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણી-આઈકયુએસીના ડાયરેકટર ડો. ગીરીશ ભીમાણીના નેતૃત્વમા સમગ્ર શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કર્મચારીઓ ખૂબ જોમજુસ્સા અને ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે.

અગાઉ યુનિવર્સિટીમાં કેટલાક ટેકનીકલ પ્રશ્નોને કારણે અગાઉ મળેલ ગ્રેડ યુજીસીએ રદ કરી નાખતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ ગ્રેડ વગરની છે.

સખત પરીશ્રમ દ્વારા પડકારૂપ ભૂમિકાને પસંદ કરનાર સીન્ડીકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણીને આઈકયુએસીના ડાયરેકટર બનાવીને સંપૂર્ણ સત્તા સોંપી છે. જેના ફળસ્વરૂપે હવે નેકમાં રજીસ્ટ્રેશન કરાવવાનો માર્ગ મોકળો થયો છે.

ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર સફળ કુલપતિ ડો. કનુભાઈ માવાણીએ યુજીસીને નેક સમક્ષ સૌરાષ્ટ્ર યુનિ.ની ગુણવત્તાને આધારે ફોર સ્ટાર પ્રાપ્ત કરેલ. ત્યાર બાદ તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરાના કાર્યકાળમા ૨.૭૩ ગુણ મેળવ્યા હતા અને પૂર્વ કુલપતિ પ્રો. મહેન્દ્ર પાડલીયાના કાર્યકાળમાં એ-ગ્રેડ પ્રાપ્ત થયો હતો.

આઈકયુએસીમાં થોડી સાફસુફી બાદ કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ ડાયરેકટર ગીરીશભાઈ ભીમાણી સાથે ટીમ બનાવીને નેકના ગ્રેડ માટે પ્રથમ પ્રાધાન્ય આપ્યુ છે. દરરોજ કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ડાયરેકટર પ્રો. ભીમાણીને લગતી કામગીરીની સમીક્ષા કરે છે. ડ્રાફટ કમિટીના ચેરમેન પ્રો. સમીર વૈદ્ય પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યુ છે કે ૨૦૨૧ના વર્ષના ૧૮ જાન્યુ. બાદ નેક કમિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુણવત્તાનુ પરિક્ષણ કરવા આવશે. ૧૫ એપ્રિલ સુધીમાં નેક કમિટી તારીખ આપનાર છે. આ વર્ષે શૈક્ષણિક - બીનશૈક્ષણિક કર્મચારીઓ ખૂબ ઉત્સાહથી કામ કરે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા હાલ સફાઈ અભિયાન તેમજ સંશોધન અને સિદ્ધિ સારૂ પ્રદર્શન કરી શકાય તે માટે નિષ્ણાંત-અનુભવીઓની સલાહ લેવાઈ રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ, પરીક્ષા નિયામક, લીગલ ઓફિસર સહિત અનેક જગ્યાઓ ખાલી છે તે દેખાવમાં અવરોધરૂપ બની શકે છે.(૨-૨૫)

(3:29 pm IST)