રાજકોટ
News of Monday, 26th September 2022

રાજકોટ જિલ્લા દૂધ સંઘ (ડેરી)નું ટર્નઓવર ૯૧૧ કરોડ : રોજની ૨ ટન ક્ષમતાનો પનીર પ્‍લાન્‍ટ સ્‍થપાશે

૩ હજારથી વધુ વસ્‍તીવાળા ગામોમાં નવી એજન્‍સી મારફત દૂધ-દૂધની બનાવટો વેચાશે : ડેરીનો નફો ૧૦.૨૩ કરોડ, મંડળીઓને ૧૫ ટકા ડીવીડન્‍ટ : ગોરધનભાઇની જાહેરાત

રાજકોટ,તા. ૨૬ જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી.ની ૬૨મી વાર્ષિક સાધારણ સભા ગઇ કાલે જામકંડોરણા મુકામે રાખવામાં આવેલ. જેમાં સમગ્ર કાર્યક્રમનું અધ્‍યક્ષસ્‍થાન પ્રદેશ ભાજપનાં અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલે સંભાળેલ હતું. આ કાર્યક્રમમાં  ધારાસભ્‍યશ્રી જયેશ રાદડીયા, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, વાહન વ્‍યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદ સભ્‍યશ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી ઇફકો -ન્‍યુ., ક્રિભકો, ગુજરાત સ્‍ટેટ  કો.-ઓપ બેંકના ચેરમેન શ્રી અજય પટેલ નાફેડના વા.ચેરમેનશ્રી સુનિલકુમાર સિંઘ, રાજકોટ ડિસ્‍ટ્રી. કો.-ઓપ. બેંકના વા. ચેરમેનશ્રી મગનભાઇ વડવીયા, મેનેજીંગ ડિરેકટરશ્રી ઘનશ્‍યામભાઇ ખાટરીયા, રાજકોટ ડેરીનાં પૂર્વ અધ્‍યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયા તેમજ ધારાસભ્‍યો અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.
રાજકોટ દૂધ સંઘનાં અધ્‍યક્ષશ્રી ગોરધનભાઇ ધામેલીયાએ જણાવેલ હતુ કે કોરોના મહામારીની બીજી અને ત્રીજી ઘાતક લહેરની પરિસ્‍થિતીમાં પણ સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ ૮.૧૨% વધારો થયેલ છે. તેમજ સંઘનું દૂધ સંપાદન વધેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે ૧૮ /- ‘મિલ્‍ક ફાઇનલ પ્રાઇઝ' માટે રૂા. ૧૬.૬૧ કરોડ દૂધ ઉત્‍પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે વર્ષ દરમ્‍યાન સરેરાશ કિલો ફેટનો ભાવ રૂા. ૭૧૯ ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્‍ખો નફો રૂા. ૧૦.૨૩ કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને ૧૫% લેખે શેર ડિવિડન્‍ડની રકમ રૂો ૫.૦૩ કરોડ ચુકવવામાં આવશે. આમ, દૂધ ઉત્‍પાદકો અને દૂધ મંડળીઓને સંઘના નફામાંથી રૂા. ૨૧.૬૪ કરોડ પરત ચુકવેલ છે.
દૂધ સંઘે માર્કેટીંગ વ્‍યવસ્‍થા ઉપર વધુ ધ્‍યાન કેન્‍દ્રીય કરીને દૂધ, દહી, છાશ, લસ્‍સી, ઘી, પેંડા અને અન્‍ય પેદાશોનું વેચાણ વધરવા પ્રયત્‍નો કરેલ છે. સંઘે ગત વર્ષની સરખામણીએ છાશનાં વેચાણમાં ૧૯%, દહીંના વેચાણમાં ૧૨૮%, ઘીનાં વેચાણમાં ૨૯%, મિઠાઇના વેચાણમાં ૪૨% નો વધારો થયેલ છે. અને ગત વર્ષ દૂધ સાગર ડેરી ઉત્‍પાદદીત ૪૫ દિવસનું લાઇફ ધરાવતુ અમુત મોતી દૂધ બજારમાં વેચાણ માટે મુકવામાં આવેલ છે. સંઘે ગોપાલ બ્રાન્‍ડની બધી જ પ્રોડકટ એક જ સ્‍ટોરમાંથી મળી રહે તે હેતુથી અમુલ પાર્લરની જેમ સંતકબીર રોઠ ઉપર બીજુ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે. અને રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.
કોરોના મહામારીની બીજી ઘાતક લહેરની પરિસ્‍થિતીમાં પણ સંઘે ૮૪૦ કાર્યરત દૂધ મંડળીઓમાંથી પ્રતિ દિવસ સરેરાશ ૪.૪૯ લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે. જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. તેમજ આગામી વર્ષમાં પણ દૂધ સંપાદનમાં વધારો થાય તે માટે સંઘનું નિયામક મંડળનાં પ્રયત્‍નો રહેશે.
ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાએ જણાવેલ કે સંઘે ૬૪૭ દૂધ મંડળીઓ સાથે જોડાયેલા ૪૧ હજાર દૂધ ઉત્‍પાદકોને રૂા. ૧૦ લાખનાં ગ્રુપ અકસ્‍માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષ સંઘે ૧૦૦% વિમા પ્રિમીયમ લેખે રૂા. ૧૦૧.૪૨ લાખ પ્રિમીયરની રકમ દૂધ ઉત્‍પાદકો વતી ભરેલ હતી. ગત વર્ષે ૧૧ દૂધ ઉત્‍પાદકોનું અવસાન થતા તેમના વારસાદારોને ૧૦૫ લાખની રકમ વિમા કંપની પાસેથી મંજુર કરાવીને ચુકવેલ હતી. આ વર્ષે પણ રૂા. ૧૦ લાખની ગ્રુપ અકસ્‍માત વિમા પોલીસી ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી.
દૂધ સંઘનાં મેનેજીંગ ડીરેકટરશ્રી વિનોદ વ્‍યાસે જણાવેલ હતું કે, સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં ૫% વધારો થાય તે માટે આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્‍પાદકતા વધારવા, દૂધ ઉત્‍પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્‍સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્‍ય જગ્‍યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્‍નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોનાં વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્‍પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે. જે માટે ૩૦૦૦થી વધુ વસ્‍તી ધરાવતા ગામોમાં નવી એજન્‍સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. હાલ બજારમાં પનીરની માંગને ધ્‍યાનમાં રાખીને પ્રતિ દિન ૨ ટન કેપેસીટીનો પનીર પ્‍લાન્‍ટ સ્‍થાપવાનું આયોજન છે. જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. દૂધની ગુણવતાની ચોક્‍સાઇપૂર્વ ચકાસણી થાય તે માટે તમામ શીત કેન્‍દ્ર/ યુનિટો ઉપર આધુનિક એફટી મશીન રાજય સરકારશ્રી ગ્રાન્‍ટમાંથી ખરીદ કરીને મુકવામાં આવેલ છે. રાજકોટ ડેરી પ્‍લાન્‍ટ વિભાગમાં વિસ્‍તરણીકરણ કરીને ૫૦૦૦ ક્રેટની કેપેસીટીના કોલ્‍ડ સ્‍ટોરેજ બનાવેલ છે.
રાજ્‍યનાં કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ઉદબોધન કરતા જણાવેલ હતુ કે જિલ્લાની સહકારી સંસ્‍થાઓને સાથે રાખીને જિલ્લાની સહકારી પ્રવૃતિ ઉતરોતર વિકાસ પામે અને ખેડૂતો તથા પશુપાલકોને વધુને વધુ લાભો મળે તેવા મારા પ્રયત્‍નો રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા તેની સાથે જોડાયેલા લાખો ખેડૂતો જીરો ટકાએ ખેતધિરાણો આપવામાં આવે છે. તેવી જ રીતે અન્‍ય ધિરાણો પણ વ્‍યાજબી દરે અને સહેલાઇથી ખેડૂતો અને પશુપાલકોને મળી રહે તે માટેની હંમેશા કામગીરી કરવામાં આવી રહી છે.

 

(11:03 am IST)