રાજકોટ
News of Wednesday, 25th November 2020

ગુજસીટોક સહિત ત્રણ ગુન્હામાં વોન્ટેડ અમરેલી પંથકના નામચીન ચમ્પુનો હથિયારના ગુન્હામાં જામીન ઉપર છુટકારો

રાજકોટ તા. રપ : રાજયના મુખ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલની સિનિયોરીટી અને ટેકનીકલ જ્ઞાનને ધ્યાનમાં રાખી તેમને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર ભરની ગુનાખોરી પર નજર રાખવા ઓપચારીક જવાબદારી સોંપી હતી.

જેના અનુસંધાને આ બનાવની વિગત એવી છે કે તા. ર૩/૧૧/ર૦ર૦ ના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીઓ અમરેલી પંથકના લીલીયા તાબેના ખુંખાર ચપ્પુ બાબાભાઇ વિછીંયા (કાઠી દરબાર) ઉ.૪૦) ને દેશી બનાવટની બે પીસ્તોલ, રીવોલ્વર અને છ જીવતા કારતુસ સાથે દબોચી લીધેલ. જેની તપાસ કરતાં ચપ્પુ સામે વર્ષ ર૦૧૧ માં સાવરકુંડલામાં હથિયારનો ગુન્હો નોંધાયેલ હતો. જેમાં તેને આજીવનની સજા થયેલ હતી. તેમજ વર્ષ ર૦૧૮માં સાવરકુંડલામાં કાવતરૂ ઘડી ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસનો ગુન્હો નોંધાયેલ હતો તેમજ તાજેતરમાં સાવરકુંડલા રૂરલમાં નવા કાયદા આંતકવાદ અપરાધ નિયંત્રણ ગુજસીટોક હેઠળ પણ ગુન્હો નોંધાયેલ હતો. તેમજ તે ૧૮/પ/ર૦૧૬થી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ કરેલ હોય તે ગુન્હામાં ફરાર હતો. જેથી તેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરેલ અને અમરેલી પોલીસને પણ તે ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ હોય તેની જાણ કરેલ.

ત્યારબાદ ઉપરોકત હથિયારના ગુન્હામાં તેની ધરપકડ કરી કોર્ટ હવાલે કરેલ જે અનુસંધાને તેણે પોતાના એડવોકેટ અમીત એન.જનાણી મારફતે રાજકોટની ચીફ જયુ. મેજી.શ્રીની કોર્ટમાં જામીન અરજી કરેલ. જેમાં સરકારી વકીલએ તેના વિરૂદ્ધ નોંધાયેલ હત્યા, હત્યાના પ્રયાસ તેમજ ગુજસીટોકનો ગુન્હો નોંધાયેલ હોય અને હાલના ગુન્હામાં પણ તે પકડાયેલ હોય જામીન રદ કરવા દલીલ કરેલ.

જેના બચાવમાં બચાવપક્ષે પોતાની જામીન અરજીમાં જણાવેલ કે રાજકોટ મુકામે હાલ તે પકડાયેલ હોય જેમાં તેની વિરૂદ્ધ આ ગુન્હામાં સાંકળી શકાય તેવો કોઇ પુરાવો ન હોય અને હાલના ગુન્હાને સજાની જોગવાઇ ધ્યાને લેવામાં આવે તો પણ નામ. નીચેની અદાલતને છોડવાની તથા કેસ ચલાવવાની સત્તા છે તેમજ વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આરોપીના ભુતકાળ કે ગુન્હાની ગંભીરતા ધ્યાને ન લેતા સંભવિત સજાની જોગવાઇને ધ્યાને લેવામાં આવે તો પણ તેની સામેનો જામીન માટેનો આ પ્રથમ દર્શનીય કેસ છે. અને નામદાર કોર્ટ જામીન ઉપર છોડવા હુકમ કરે તો સઘળી શરતોનું પાલન કરવા તૈયાર હોય તેમજ હાલની આ મહામારીના સમયમાં જે જામીન એ નિયમ અને જેલએ અપવાદના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ તો પણ તેનો જામીન માટેનો પ્રથમ દર્શનીય કેસ છે.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ નામ. કોર્ટે ચમ્પુ બાબાભાઇ વિછીંયાને રૂ.૧પ,૦૦૦ ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં અરજદાર વતી એડવોકેટ અમિત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈઇમ તથા ચિરાગ મેતા રોકાયેલ હતા.

(4:04 pm IST)