રાજકોટ
News of Wednesday, 25th November 2020

રાજકોટ એઇમ્સ માટે ખાસ એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર તરીકે શ્રમદિપસિન્હાની નિમણુંક : ચાર્જ સંભાળી લીધો : હવે સ્ટાફ નિમાશે

ડે.ડાયરેકટર એઇમ્સ તરીકે સિવિલ હોસ્પિટલ ખાતેથી કામગીરી કરશે : રૂરલ પ્રાંત પાસેથી તમામ વિગતો મેળવી : ૨૦૦૪ની બેચના IRS ઓફિસર : વિજયવાડા - ગોપાલમાં એઇમ્સ બનાવી ચૂકયા છે : ભારે અનુભવી અમલદાર

રાજકોટ તા. ૨૫ : રાજકોટથી ૧૭ કિમી દૂર ખંઢેરી પાસે ૭ માળની અદ્યતન એઇમ્સ હોસ્પિટલ બનાવવા અંગેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, આ એઇમ્સ ફુલ સ્પીડમાં બને અને કોઇપણ પ્રકારની કચાશ ન રહે તે માટે અને રાજકોટ એઇમ્સ માટે ડે. ડાયરેકટર - ખાસ એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર તરીકે કેન્દ્ર સરકારે એક ખાસ ઓફિસરની નિમણૂંક કરી છે, અને તેમણે ત્રણ દિવસ પહેલા પોતાનો ચાર્જ પણ સંભાળી લીધાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકારે રાજકોટ એઇમ્સ માટે ૨૦૦૪ની બેચના આઇઆરએસ ઓફિસર શ્રી શ્રમદિપ સિન્હાની નિમણૂંક કરી છે, તેઓ એઇમ્સના નિર્માણ માટે અનુભવી અમલદાર ગણાય છે, તેઓ આ પહેલા વિજયવાડા અને ગોપાલ આ બંને સ્થળે હાલમાં જે એઇમ્સ નિર્માણ પામી તેમાં ખાસ ઓફિસર તરીકે રહ્યા હતા.

શ્રી શ્રમદિપ સિન્હા દિલ્હીથી ખાસ આવી ચૂકયા બાદ રાજકોટ રૂરલ પ્રાંત શ્રી દેસાઇ પાસેથી બની રહેલ એઇમ્સ, જમીન, રસ્તા, બિલ્ડીંગ, કમ્પાઉન્ડ વોલ, મેદાન સમથળ, ચાલી રહેલ બાંધકામ વિગેરે તમામ બાબતે વિગતો મેળવી હતી અને સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું.

તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોતાની કામગીરી હાથ ધરશે, સ્ટાફ રીક્રુમેન્ટ સહિતની કામગીરી હવે હાથ ધરાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:24 pm IST)