રાજકોટ
News of Wednesday, 25th November 2020

બાંધકામનો ધંધો ન ચાલતાં સિધ્ધાર્થ ટાંક અને બેકાર થઇ જતાં રિક્ષાચાલક જાહિદે ઝેર પીધું

મહાવીર રેસિડેન્સી અને કનૈયા ચોક શિવપરાના યુવાનો સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: કોરોનાને કારણે લોકડાઉન, અનલોક, કર્ફયુ જેવા માહોલમાં અનેક લોકોના કામ-ધંધાને માઠી અસર પહોંચી છે. વધુ બે બનાવમાં બે વ્યકિતએ કામધંધાની મંદીને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતાં અને બાંધકામનો વ્યવસાય ધરાવતાં સિધ્ધાર્થ બાબુભાઇ ટાંક (ઉ.વ.૩૩) નામના યુવાને સવારે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ગાંધીગ્રામના એએસઆઇ મેરામભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

સિધ્ધાર્થ ભાઇ બે ભાઇમાં મોટા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. હાલમાં ધંધો ચાલતો ન હોઇ તેના કારણે મુંજવણમાં મુકાઇ જતાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.

બીજા બનાવમાં રૈયા રોડ કનૈયા ચોક પાસે શિવપરા-૫માં રહેતાં જાહિદ ઇકબાલભાઇ બાબવાણી (ઉ.વ.૩૦) નામના યુવાને અગાઉ ભાડાની રિક્ષા હંકારતો હતો. પરંતુ હાલમાં ભાડુ વધારી દેવાયું હોઇ રિક્ષા પાછી આપી દીધા બાદ બેકાર જેવો થઇ જતાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે હોસ્પિટલ ચોકીના રણછોડભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જાહિદ ચાર બહેનનો એકનો એક ભાઇ છે.

(12:54 pm IST)