રાજકોટ
News of Saturday, 25th June 2022

રાજકોટ મનપાની તિજોરી તળિયા ઝાટક છતાં મહિલા કોલેજ અંડર બ્રિજમાં ચિત્રો દોરાવ્યા !

જાણે આ રકમની કોઈ કિંમત જ નો હોય તેમ મેયરે કહ્યું હતું કે, માત્ર રૂપિયા 10-12 લાખનો ખર્ચ થશે.

રાજકોટ : એકતરફ રાજકોટ મનપાની તિજોરી તળિયા ઝાટક છે. અને તિજોરીમાં રૂપિયા ખુટી પડતા લોન લેવાની ફરજ પડી છે.બીજીતરફ લાખોનાં ખર્ચે ચિત્રો દોરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ મહિલા કોલેજ નજીક આવેલ અન્ડરબ્રિજમાં અંદાજીત 12 લાખનાં ખર્ચે ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. અને જાણે આ રકમની કોઈ કિંમત જ નો હોય તેમ મેયરે કહ્યું હતું કે, માત્ર રૂપિયા 10-12 લાખનો ખર્ચ થશે.

જાણવા મળતી વિગત મુજબ શહેરનાં કાલાવડ રોડ પર આવેલ મહિલા કોલેજ અંડર બ્રિજમાં અંદાજિત 45 હજાર સ્કવેર ફૂટ એરિયામાં ચિત્રો દોરવામા આવી રહ્યા છે. જેનો ખર્ચ અંદાજીત 10 થી 12 લાખ જેવો થાય છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ જતા 140 કરોડની લોન બેંકમાં લેવા માટેની માંગ કરી હતી. 2001 પછી પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકામાં નાણાંકીય કટોકટી આવી હતી. છતાં લોકોના ટેક્સના લાખો રૂપિયા ચિત્રો દોરવા પાછળ વ્યય કરવામાં આવી રહ્યા છે.

આ અંગે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે, મહિલા દિવસ નિમિત્તે જાહેરાત કરવામાં આવી હતી કે, મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં મહિલાઓને લગતા ચિત્રો બનાવવામાં આવેશે. જે અંતર્ગત છેલ્લા અઢી મહિનાથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 43 હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં 40 કલાકારો દ્વારા પેઈન્ટિંગ કરાઈ રહ્યું છે. જેનો ખર્ચ 40-50 લાખ થવાની વાત અફવા છે. અને આ કામ પાછળ માત્ર 10-12 લાખ રૂપિયાનો ખર્ચ થનાર છે.

(8:43 pm IST)