રાજકોટ
News of Wednesday, 25th May 2022

મોઢામાં ચાંદા પડતાં કેન્‍સર થશે એવા ભયથી રસિકભાઇ કાલરીયાનો ઝેરી દવા પી આપઘાત

કોઠારીયા કોલોનીના કરિયાણાના વેપારીના પગલાથી પટેલ પરિવારમાં અરેરાટી : આજીડેમ ચોકડી શ્‍યામ કિરણ સોસાયટીમાં કમળા ચાવડાએ ગળાફાંસો ખાઇ જીવ દીધો

રાજકોટ તા. ૨૫: કોઠારીયા કોલોની ક્‍વાર્ટર નં. ૭૧માં રહેતાં અને કરિયાણાની દૂકાન ચલાવતાં રસિકભાઇ મોહનભાઇ કાલરીયા (ઉ.૫૮) નામના પટેલ વેપારીએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રસિકભાઇ ઘરે ઝેરી દવા પી જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રસિકભાઇ ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ રસિકભાઇને મોઢામાં ચાંદા પડયા હોઇ તેમને એવો ભય હતો કે પોતાને કેન્‍સર થઇ જશે. આથી ગભરાઇને તેમણે આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે શ્‍યામકિરણ-૩માં રહેતી કમળા કાંતિભાઇ ચાવડા (ઉ.૧૭) નામની વણકર યુવતિએ ઘરે કોઇ નહોતું ત્‍યારે છતના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તે ત્રણ બહેન એક એક ભાઇમાં બીજી હતી અને ઇમિટેશનનું કામ કરતી હતી. ઘરના બધા લોકો કામે ગયા હતાં ત્‍યારે આ પગલુ ભર્યુ હતું. નાનો ભાઇ બાદલ ઘરે આવ્‍યો ત્‍યારે ઘટનાની જાણ થઇ હતી. કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:13 pm IST)