રાજકોટ
News of Wednesday, 25th May 2022

રામનાથપરામાં વાહન ધીમે ચલાવવાનું કહેતા વિક્રમ સરૈયાને છરી બતાવી ચાર શખ્‍સોની ધમકી

મુસ્‍તકીમ બંગાળી તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો

રાજકોટ તા.રપઃ રામનાથપરામાં વાહન ધીમે ચલાવવાનું કહેવા થતા ભરવાડ યુવાનને પાડોશી સહિત ત્રણ શખ્‍સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં.૬ માં રહેતા વિક્રમ ચનાભાઇ સરૈયા (ઉ.વ.૧૮)એ એ ડીવીઝન પોલીસ મથકમાં પાડોશી મુસ્‍તકીમ બંગાળી તથા તેની સાથે આવેલા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ નોંધાવી છે. વિક્રમે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે સોની બજારમાં સોની કામની મજુરી કરે છે. ગઇકાલે પોતે પોતાના ઘર પાસે ઉભો હતો. ત્‍યારે ઘરની બાજુમાં રહેતો મુસ્‍તકીમ શેરીમાંથી પુરઝડપે બાઇક લઇને નિકળ્‍યો હતો. શેરીમાં નાના છોકરાઓ રમતા હોઇ, અને મહિલાઓ કામ કરતા હોઇ જેથી વાહન ધીમે ચલાવવાનું કહેતા સમયે મુસ્‍તકીમ રાડારાડી કરી જતો રહ્યો હતો. પાંચેક મીનીટ બાદ મુસ્‍તકીમ અને તેની સાથે ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ આવી પોતાને કહેવા લાગેલ કે રોડ કોઇના બાપનો છે. અહીંથી જ નિકળશુ જે થાય તે કરી લેજે અને હવેના પાડી તો જાનથી મારી નાખીશતેમ કહી ગાળો આપવા લાગ્‍યા હતા. બાદ મુસ્‍તકીમે પોતાના નેફામાંથી છરી કાઢી કહેલ કે આટલીવાર લાગે તેમ કહી ગાળો આપવા લાગ્‍યો હતો. દેકારો બોલતા પોતાના ભાઇ દિપકભાઇ, દિનેશભાઇ સહિત પરિવારજનો તેમના આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્‍સો ભાગી ગયા હતા. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્‍સ. વીબી. ધાણજા તથા રીતેશભાઇ પટેલે વિક્રમની ફરિયાદ પરથી મુસ્‍તકીમ બંગાળી તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જે.ડી. વસાવા સહિતે તપાસ હાથ ધરી છે.

(2:58 pm IST)