રાજકોટ
News of Tuesday, 25th January 2022

નવા ભળેલા નાગેશ્વર વિસ્તારમાં પ્રથમ વખત પાણીની લાઇનો બીછાવાશે

વોર્ડ નં. ૧માં રૂ. ૧.૪૬ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન બીછાવાશે : ૪ હજાર ઘરોમાં નળ કનેકશન : હોટેલ, રીસોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમા ઘરો, મલ્ટીપ્લેકસ અને જીમને છેલ્લા એક વર્ષનો પ્રોપર્ટી ટેકસમાંથી મુકિત આપવા : ૧૦૦ ટીપર વાન તથા ૧ હજાર વ્હીલબરો ખરીદવા સહિતની ૩૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે : હોસ્પિટલ બ્રિજ કામે જમીન સંપાદન સામે રેલવેએ ૬ કરોડ માંગ્યા હિસાબ કર્યો'તો મનપા દ્વારા હાલ રૂ. ૧.૯૪ કરોડ ચૂકવવાના થાય છે

રાજકોટ તા. ૨૫ :  મહાનગરપાલિકામાં નવા ભળેલા ઘંટેશ્વરના નાગેશ્વર વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ૧.૪૬ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન નાંખવા મળનાર સ્ટેન્ડીંગ બેઠકમાં નિર્ણય લેવાશે. ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત મંજુર થનાર છે.

આ દરખાસ્તમાં જણાવ્યા મુજબ શહેરના વોર્ડ નં. ૧માં જામનગર રોડ, ઘંટેશ્વરના નાગેશ્વર વિસ્તારમાં ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૪૦૦ અને ૪૫૦ એમ.એમ.ડાયા ડી.આઇ. પાઇપ લાઇન તથા સ્લુઝ વાલ્વ નાખવામાં આવશે. આ કામ આશરે ૪૯૦૦ રનીંગ મીટરમાં જુદા-જુદા મીટરની ડી.આઇ. પાઇપલાઇન રૂ. ૧.૪૬ કરોડના ખર્ચે નંખાશે. આ કામથી આ વિસ્તારના ૪ હજાર ઘરોમાં ફાયદો થશે.

આ કામ માટે સિધ્ધનાથ કન્સ્ટ્રકશનના ૨૭.૫૫% વધુ ભાવ સૌથી ઓછા આવેલ છે.

મિલ્કત વેરામાંથી

મુકિત આપવા

આ ઉપરાંત કાલની સ્ટેન્ડીંગમાં કોવિડ-૨૦૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવા અંગે જાહેરાત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશિયમને તા. ૧ એપ્રિલ ૨૦૨૧ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેકસમાંથી મુકિત આપવામાં આવેલ છે ત્યારે ઉપર જણાવેલ તમામ કેટેગરીની મિલ્કતોને તા. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીનો બાકી રહેલ પ્રોપર્ટી ટેકસ ભરપાઇ કરેલ હોય તેવી પરિસ્થિતિમાં, ચાલુ વર્ષ (૨૦૨૧-૨૨)ના મિલકત વેરામાંથી મુકિત આપવા તથા જો ૩૧/૦૩/૨૦૨૨ સુધીનો સંપૂર્ણ વેરો ભરપાઇ કરેલ હોય તો ચાલુ વર્ષની ભરેલ રકમ ક્રેડીટ આપવા માટે નિર્ણય કરાશે.

આ ઉપરાંત આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં શહેરના વિવિધ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ૭.૪૦ કરોડના ખર્ચે ૧૦૦ ટીપર વાન ખરીદવા, તમામ વોર્ડમાં રોડ રસ્તા, સાંકળી શેરીઓ વિગેરેમાં રોજરોજની સફાઇ કામગીરી સારી રીતે થાય તે માટે ૧ હજાર નવા કન્ટેનરાઇઝડ વ્હીલબરો રૂ. ૧.૩૯ કરોડના ખર્ચે ખરીદવા તથા શહેર તથા નવા ભળેલ વિસ્તારો માટે પાણી વિતરણના કામ માટે ડિઝાઇન એન્જીનિયરીંગ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા, શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલ ટ્રાયએન્ગલ ઓવરબ્રિજ કામે વેસ્ટર્ન રેલવે વિભાગની જમીન સંપાદન સામે રૂ. ૧.૯૪ કરોડ ચુકવણુ કરવા, શહેરમાંથી ઉત્પન્ન થતા કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ પ્રોસેસીંગ કરવા માટે કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ રીસાઇલીંગ પ્લાન્ટ નાખવા સહિતની ૩૮ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે.

(3:34 pm IST)